ગુજરાત
News of Thursday, 22nd July 2021

અમદાવાદ સોલા સિવીલ હોસ્પીટલમાં વર્ગ-૩ના કર્મચારીઓને પગાર ચુકવવામાં વિલંબ થતા હડતાલ ઉપર ઉતર્યાઃ ૫ વર્ષથી પગાર વધ્યો નથી અને જીએસટી પણ કપાય છે

અમદવાદ: વિશ્વભરમાં આતંક ફેલાવી ચૂકેલી કોરોના મહામારીએ હાહાકાર મચાવ્યો છે. ત્યારે કોરોનાની મહામારી સમયે ડોક્ટરો અને નર્સિંગ સ્ટાફ છેલ્લા દોઢ વર્ષથી દિવસ રાત સેવા આપી રહ્યા છે. જેથી તેમની મહેનતના પરિણામ સ્વરૂપે આજે કોરોના પર કાબૂ મેળવવામાં સફળતા મળી છે. ત્યારે આવા કપરાકાળમાં દિવસ રાત જોયા વિના મહેનત કરવા છતાં પગાર ચૂકવણીમાં વિલંબ થતાં કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા છે. 

પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદ માં આવેલી સોલા સિવિલ હોસ્પિટલ  ના વર્ગ 3ના કર્મચારીઓને પગાર ચૂકવવામાં વિલંબ થતાં હડતાળ (Strike) પર ઉતર્યા છે. જેમાં લેબ ટેક્નિશિયન, ડેટા ઓપરેટર, વાહનચાલક, ડિસ્પેન્સરી વિભાગ અને એક્સ રે વિભાગના કર્મચારીઓએ હડતાળ નો સહારો લીધો છે.  

અત્રે ઉલ્લેખનીય છે કે DB એન્ટરપ્રાઈઝ પાસે કર્મચારી રાખવાનો કોન્ટ્રાક્ટ છે. મે 2021 માં કોન્ટ્રાક્ટ પૂર્ણ થઇ ગયો છે પરંતુ તેમછતાં કામ લેવામાં આવી રહ્યું છે. જૂન મહિનાનો પગાર હજુ ચૂકવાયો નથી. જ્યારે સોલા સિવિલ કેમ્પસમાં આવેલી કોલેજમાં કામ કર્મચારીઓના પગારની ચૂકવણી કરી દેવામાં આવી છે. જ્યારે એક હોસ્પિટલના કર્મચારીઓના પગારની ચૂકવણી કરવામાં આવી નથી. 

હડતાળ પર ઉતરેલા કર્મચારીઓએ જણાવ્યું હતું કે અમે સુપ્રિડેન્ટને રજૂઆત કરી તો અમને આરડીડી ઓફિસ મળવા માટે કહેવામાં આવ્યું. છેલ્લા 5 વર્ષથી અમારા પગાર વધ્યા નથી તેમજ અમારા પગારમાંથી જીએસટી કાપવામાં આવે છે. 

(5:07 pm IST)