ગુજરાત
News of Thursday, 22nd July 2021

ઇડરમાં સાંજના સુમારે ગંભીરપુરા નજીક રોડની સાઈડમાં ત્રણ કિંમતી બિનવારસી બેગ જોવા મળતા પોલીસતંત્ર દોડતું થયું

ઇડર: શહેરમાં મંગળવારે સાંજના સુમારે ગંભીરપુરા પાસે રોડની સાઇડમાં જોવા મળેલ ત્રણ કિંમતી બિનવારસી બેગોએ પોલીસને દોડતી કરી દીધી હતી. બેગોમાં કંઇક હોવાની આશંકાએ પોલીસે જઇને જોયું તો ''ખોદ્યો ડુંગરને નિકળ્યો ઉંદર'' જેવો ઘાટ સર્જાયો હતો. પોલીસની તપાસમાં ત્રણેય બેગ ખાલીખમ હોવાનું જણાઈ આવ્યું હતું. જો કે પ્રકારની કિંમતી બેગ અહીં કોણે અને શા માટે છોડી ગયું તે પ્રશ્ન ઉપસ્થિત થયો છે.

મંગળવારે સાંજના સુમારે ઇડર-અંબાજી હાઈવે પર ગંભીરપુરાની સીમમાં ત્રણ નવી નક્કોર બેગ બિનવારસી હાલતમાં જોવા મળતાં કુતુહલવશ લોકોના ટોળા એકઠા થયા હતા. અંદાજે બે-એક કલાક રાહ જોવા છતાં બેગો કોની છે તે નક્કી થઇ શકતાં લોકોની શંકાઓ વધવા લાગી હતી.

દરમિયાન સ્થાનિક જાગૃત નાગરિકે પોલીસને જાણ કરતાં બિનવારસી ત્રણ-ત્રણ બેગની વાત જાણી પી.આઇ. સહિતનો પોલીસ કાફલો પણ દોડતો થઇ ગયો હતો. બેગોમાં કંઇક અજુગતુ હોવાની આશંકાએ પોલીસે ઉપસ્થિત લોકોની હાજરીમાં ભારે સાવચેતીપૂર્વક એક પછી એક ત્રણેય બેગની ચકાસણી હાથ ધરી હતી. જેમાં બેગોમાં કોઇ શંકાસ્પદ વસ્તુ જોવા મળી નહોતી. ઉલ્ટુ ત્રણેય બેગ ખાલી હોવાનું જણાઈ આવ્યું હતું. બેગ ખાલી હોવાની જાણકારી બાદ સ્થાનિકો સહિત પોલીસે પણ હાશકારો અનુભવ્યો હતો.

(7:12 pm IST)