ગુજરાત
News of Thursday, 22nd July 2021

અમદાવાદમાં સાબરમતી નદીમાંથી માસૂમ બાળકીની લાશ મળી : તાંત્રિકવિધિ કરાઈ હોવાની ચર્ચા : પોલીસ તપાસ શરૂ

મૃતદેહને પીએમ માટે મોકલી પોલીસે આસપાસના સીસીટીવીના ફૂટેજની ચકાસણી હાથ ધરી

અમદાવાદ : શહેરના સરદારબ્રિજ નીચે આવેલા ખુલ્લા ઘાસમાંથી આશરે એક મહિનાની માસૂમ બાળકીની લાશ ગુરુવાર સવારે મળી આવી હતી. આ અંગે રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. જોકે માસૂમ બાળકીના શરીર પર કોઈ ઇજા કે અન્ય કોઈ નિશાન નથી જેથી મૃતદેહને પીએમ માટે મોકલી પોલીસે આસપાસના સીસીટીવીના ફૂટેજની ચકાસણી હાથ ધરી છે. બાળકીની લાશ નદીમાંથી મળી હતી લોકોએ પોલીસ આવે તે પહેલાં બહાર કાઢી લીધી હતી.

શહેરના લાલ દરવાજા પાસે આવેલા સરદારબ્રિજ નીચે આવેલા ખુલ્લા ઘાસમાં એક બાળકીની લાશ મળી હોવાના ગુરુવાર સવારના મેસેજ આધારે પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે તપાસ કરતા બાળકીએ સફેદ કલરનું ફ્રોક પહેર્યું હતું. તેને ડાયપર પહેરેલું દેખાય છે. તેને કપાળ પર એક કાળા કલરનો મોટો ચાંલ્લો કરેલો છે. આંખોમાં પણ કાળા નિશાન અથવા મેસ લગાવેલી હોવાનું દેખાય છે હાથમાં કોઈ કાળો મોજો બાંધેલો છે તેવામાં પોલીસે આસપાસના લોકોની પૂછપરછ કરી અકસ્માત મોતનો ગુનો રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસે દાખલ કર્યો છે.

પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે, બાળકીના શરીરના બહારના ભાગે કોઈ ઇજાના નિશાન નથી હવે હત્યા કરાઈ છે કે અન્ય કોઈ કારણોસર તેનું મોત નીપજ્યું છે તે અંગે પીએમ કરવાની તજવીજ હાથ ધરી છે. જોકે લાશ નદીમાંથી મળી હતી આસપાસના લોકોએ લાશ બહાર કાઢી પોલીસને જાણ કરી હતી.

બાળકીને કાળો મોટો ચાંલ્લો કર્યો છે અને તેને ડાબા હાથ પર મોજો લગાવેલો હતી જોકે તાંત્રીક વિધિ કરી નદીમાં ફેંકી દેવાઈ હોવાની આસપાસના લોકોમાં ચર્ચા હતી જેથી પોલીસે તમામ દિશામાં તપાસ હાથ ધરી છે

(8:59 pm IST)