ગુજરાત
News of Thursday, 22nd September 2022

પાણીપુરીવાળાના દીકરાએ NEET પાસ કરી મેળવ્‍યુ સરકારી મેડિકલ કોલેજમાં એડમિશન

અરવલ્લીના મેઘરજમાં પાણીપુરીની લારી ચલાવતા રામસિંહ રાઠોડના દીકરાએ નીટની પરીક્ષામાં ૭૦૦માંથી ૬૧૩ માર્ક્‍સ મેળવ્‍યા છે : અલ્‍પેશ રાઠોડનું સપનું કાર્ડિયોલોજીસ્‍ટ બનવાનું છેઃ દસમા ધોરણમાં અલ્‍પેશને ૯૩ ટકા આવ્‍યા હતા અને ત્‍યાર પછી જ તે અભ્‍યાસ અંગે વધુ ગંભીર બન્‍યો હતો

અમદાવાદ, તા.૨૨: પિતાની પાણીપુરીની લારી પર ડિશ સાફ કરતો અલ્‍પેશ રાઠોડ હવે માનવ શરીરના હૃદયમાં બ્‍લોક થયેલી નળીઓની સફાઈ કરવાનું સપનું સાકાર કરશે. સપના જોવાની હિંમત રાખો તો પૂરા પણ થાય છે. આવું જ પિતાની લારી પર કામ કરતાં અલ્‍પેશ રાઠોડ સાથે થયું છે. અરવલ્લી જિલ્લાના મેઘરજમાં પાણીપુરીના લારીવાળાના પુત્રએ નેશનલ એલિજિબિલિટી એન્‍ટ્રન્‍સ ટેસ્‍ટ (NEET)માં ૭૦૦માંથી ૬૧૩ માર્ક્‍સ મેળવ્‍યા છે. MBBSનો અભ્‍યાસ કરવા માટે તેને સરકારી કોલેજમાં એડમિશન મળ્‍યું છે. અલ્‍પેશ રાઠોડનું સપનું કાર્ડિયોલોજીસ્‍ટ બનવાનું છે.
‘હું કાર્ડિયોલોજી કરવા માગુ છું અને જો તેમાં ના થયું તો ન્‍યૂરોલોજીનો અભ્‍યાસ કરીશ', તેમ અલ્‍પેશે જણાવ્‍યું હતુ અલ્‍પેશના કહેવા અનુસાર, ઉત્તરપ્રદેશમાં રહેતા તેના પરિવારમાં જ નહીં આખા કેથુઆ ગામમાંથી તે પહેલો ડોક્‍ટર બનશે. દસમા ધોરણ સુધી અલ્‍પેશ વહેલી સવારે ચાર વાગ્‍યે ઉઠીને તેના પિતા રામસિંહને મદદ કરતો હતો. પાણીપુરીની પુરીઓ તેમજ મસાલો તૈયાર કરવામાં અને પછી આ સામાન લારીમાં ચડાવવામાં તેમને મદદ કરતો હતો. બાદમાં સાંજે સ્‍કૂલેથી છૂટ્‍યા પછી તે પિતાની લારીએ પહોંચી જતો અને ગ્રાહકોને પાણીપુરી આપતો તેમજ ડિશો સાફ કરતો હતો. તેમ ટાઇમ્‍સ ઓફ ઇન્‍ડિયાનો અહેવાલ જણાવે છે.
અલ્‍પેશ અભ્‍યાસમાં પહેલાથી જ તેજસ્‍વી હતો અને ધોરણ ૧૦માંથી ૯૩ ટકા આવ્‍યા પછી તે ભણવા પ્રત્‍યે વધુ ગંભીર બન્‍યો હતો. તેણે કહ્યું, ‘મારા શિક્ષક રાજુ પટેલ અને તેમનાં પત્‍નીએ મને કરિયરના વિવિધ વિકલ્‍પો અંગે જાણકારી આપી હતી. સાથે જ સ્‍પર્ધાત્‍મક પરીક્ષાઓ અને તેને પાસ કરવા માટે શું કરવું પડે તે અંગે માહિતગાર કર્યો હતો. મારા પિતા એક આંખ ગુમાવી ચૂક્‍યા છે એવામાં મેં પ્‍ગ્‍ગ્‍લ્‍નો એન્‍ટ્રસ પરીક્ષા પાસ કરવાનું લક્ષ્ય સેવ્‍યું હતું.'
પાણીપુરીની લારી ચલાવીને રામસિંહ માસિક ૧૫,૦૦૦ રૂપિયા જેટલી કમાણી કરે છે. આ આવકમાંથી માથામાં પર છત ટકાવી રાખવાનું અને ઘરના સભ્‍યોને બે ટંક ભોજન પૂરું પાડવાનો ખર્ચ માંડ નીકળે છે એવામાં અલ્‍પેશના નીટના કોચિંગ ક્‍લાસની તોતિંગ ફી ભરવી તેમના માટે મુશ્‍કેલ હતી. ‘મારા માતાપિતાએ કહ્યું કે, મારો આ પ્રસ્‍તાવ જોખમી છે અને તેમની આર્થિક ભીંસ વધારી શકે છે. જોકે, મેં તેમને જેમ-તેમ કરીને સમજાવી લીધા અને આજે અમે સૌ ખુશ છીએ', તેમ અલ્‍પેશે ઉમેર્યું.
દીકરાના અભ્‍યાસ પાછળ રામસિંહનું બેંક અકાઉન્‍ટ તળિયા ઝાટક થઈ ગયું ત્‍યારે તેમના ભાઈએ પણ અલ્‍પેશના કોચિંગ દરમિયાન બોર્ડિંગનો ખર્ચ આપ્‍યો હતો. સૌના પ્રયત્‍નો રંગ લાવ્‍યા અને અલ્‍પેશે નીટમાં ૬૧૩ માર્ક્‍સ મેળવ્‍યા અને તેને સરકારી મેડિકલ કોલેજમાં એડમિશન મળી ગયું. ‘મારા જેવા ગરીબ બાળકો માટે શિક્ષણ મારી જાતને અને મારા પરિવારને ગરીબીમાંથી બહાર લાવવાનું સાધન છે. હું કમાવવાનું શરૂ કરીશ પછી મારા માતાપિતાને સારી જિંદગી આપીશ. તેઓ આના હકદાર છે', તેમ અલ્‍પેશે જણાવ્‍યું.

 

(11:26 am IST)