ગુજરાત
News of Thursday, 22nd September 2022

૭ કેદીઓ દ્વારા ગટગટાવામાં આવેલ પ્રવાહી ફિનાઇલ નહિ, ટોયલેટનુ સાબુ મિશ્રિત પાણીઃ સ્ટંટ બદલ ગુન્હો દાખલ કરાશે

જેલ એસપી અને પોલીસની પ્રાથમિક તપાસમાં ધડાકો, અન્યના ટિફિન છીનવતાઃ રાજયના મુખ્ય જેલ વડા ડો.કે.એલ.એન.રાવ સાથે 'અકિલા' સાથે વાતચીત : ગુજરાતભરમાં ચકચારી મામલામાં નવો વણાક, જેલ સુપ્રિ.કે સ્થાનિક પોલીસની તપાસમાં જેલ સ્ટાફ કસુરવાંન હશે તો તેની સામે પણ પગલા લેશું

રાજકોટ,તા.૨૨: વડોદરા સેન્ટ્રલ જેલના ૭ કેદીઓ દ્વારા ફિનાઇલ ગટગટાવી હોસ્પિટલમાં દાખલ થવાના ચકચારી મામલાની પ્રાથમિક તપાસમાં જેમની સામે ગંભીર પ્રકારના આરોપ છે તેવા આ કેદીઓ દ્વારા ટોયલેટનુ સાબુ મિશ્રિત પાણી પી જેલ પ્રશાસનને દબાવવા પ્રયાસ કર્યો હોવાનું પ્રાથમિક તપાસમાં ફલિત થતા તેમની સામે ગુન્હો દાખલ કરવામાં આવનાર હોવાું રાજ્યના જેલ વડા ડો.કે.એલ.એન.રાવ દ્વારા અકિલા સાથેની વાતચીતમાં જણાવ્યુ હતું

ઉકત કેદીઓ દ્વારા જેમને બહારના ટિફિન માટે મંજૂરી મળી છે તેવા કેદીઓના  ટિફિન બળજબરીપૂર્વક છીનાવવામાં આવતા હોવાના આરોપ સંદર્ભે તેમની સામે કાયદા મુજબ કડક હાથે કાર્યવાહી કરતા આવુ પગલું ભર્યુ હોવાનું પણ ડો. કે.એલ.એન. રાવ દ્વારા વિશેષમાં જણાવીઆ મામલે સેન્ટ્રલ જેલ સુપ્રિ.ને તપાસ સુપ્રત કરી હોવાનું પણ સિનિયર આઇપીએસ ડો.રાવ દ્વારા જણાવવામાં આવેલ.

આ મામલે અમારી તપાસ તથા સ્થાનિક પોલીસ દ્વારા ચાલતી તપાસમાં જેલના સંબંધક અધિકારી કે સ્ટાફ જવાબદાર હોવાનું ખુલસે તો તેમની વિરૂધ્ધ પણ કાર્યવાહી કરવામાં આવશે. જેનો આધાર ઉકત બન્ને રિપોર્ટ પર છે.

અત્રે એ યાદ રહે કે વડોદરા જેલના ૭ કેદીઓ દ્વારા ફિનાઇલ ગટગટાવી લેવાના અહેવાલ પગલે ભારે  દોડધામ મચી ગયેલ. અને જેલમાં ફિનાઇલ કયાંથી આવ્યું તેવા પ્રશ્નો ઉઠવા પામ્યા હતા. જોકે વડોદરા પોલીસની પ્રાથમિક તપાસમાં પણ ૭ કેદીઓ દ્વારા પીવામાં આવેલ પ્રવાહી ફિનાઇલ નહિ પણ ટોયલેટનું સાબુ પાણી હોવાનું ખુલવા પામ્યુ હોવાનુ સૂત્રો જણાવે છે, રાજયની જેલમાં આત્મ નિર્ભર બનાવવા માટે તથા કેદીઓના કલ્યાણ માટે જબરજસ્ત   અભિયાન ચાલે છે તેવા સમયે આવા પ્રકારની ફરિયાદથી સહુ ચોકી ઊઠ્યા હતા.

(3:00 pm IST)