ગુજરાત
News of Thursday, 22nd September 2022

સુરતના કાપોદ્રા વિસ્‍તારમાં હીરાના વેપારી ઉપર પાંચ શખ્‍સોનો હૂમલોઃ તિક્ષ્ણ હથિયાર બતાવીને 7 લાખના હીરા લઇને નાશી છૂટયા

સીસીટીવી ફુટેજના આધારે લુંટારૂ શખ્‍સોની શોધખોળ

 

સુરતઃ સુરતના કાપોદ્રા વિસ્‍તારમાં હીરાના વેપારીને હથિયાર બતાવીને 7 લાખના હીરા લૂંટીને પાંૅચ શખ્‍સો નાશી છૂટતા પોલીસે શોધખોળ હાથ ધરી છે.

શહેરમાં મોડી રાતે કાપોદ્રા વિસ્તારમાં લૂંટની ઘટના બનતાની સાથે જ કાપોદ્રા પોલીસ તેમજ ઉપરી અધિકારીની ટીમ દોડતી થઈ હતી. હીરાના કારખાનામાં 5 જેટલા બુકાનીધારો ઘુસ્યા હતા અને ચપ્પુની અણીએ રૂપિયા 7 લાખના હીરાની લુટ ચલાવીને ભાગી છુટ્યા હતા. આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ જતા હાલ પોલીસે આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.

સુરતમાં વધુ એક હીરા વેપારી સાથે લૂંટની ઘટના સામે આવી છે જેમાં સુરતના કાપોદ્રા વિસ્તારમાંથી હીરાના વેપારી સાથે લૂંટની ઘટના બની છે. રચના સર્કલથી કાપોદ્રા રોડ પર આવેલા અક્ષર ડાયમંડ હાઉસના બિલ્ડીંગ નંબર પાંચમાં હીરાનું કારખાનું ધરાવતા વેપારીને ત્યાં લૂંટ થઈ છે.

ખાતા નંબર 101 માં વેપારી મનસુખભાઈ રવૈયા મોડી સાંજે કારખાનામાં હતા ત્યારે મોઢે રૂમાલ બાંધી પાંચ જેટલા લૂંટારો કારખાના ની અંદર ઘુસ્યા હતા અને બાદમાં મનસુખભાઈને, ભાગીદારો અને કારખાનામાં કામ કરતા કારીગરોને તિક્ષ્ન હથિયાર બતાવીને ત્યાંથી રૂપિયા 7 લાખના હીરાની લુંટ ચલાવી ભાગી છૂટ્યા હતા.

આ ઘટનાની જાણ થતા જ કાપોદ્રા તેમજ ઉપરી અધિકારીનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. બીજી તરફ પોલીસ એ સીસીટીવી ફૂટેજ ના આધારે આરોપી કોણ છે અને ક્યાંથી આવ્યા હતા તે અંગે તપાસ હાથ ધરી હતી.

(4:11 pm IST)