ગુજરાત
News of Sunday, 22nd November 2020

વીએસ હોસ્પિટલના ડૉકટર અને તેની ગર્લફ્રેન્ડને ફેક મેઈલ આઈડીથી ધમકી આપનાર પાટણની મહિલા ડૉકટર ઝડપાઇ

સગાઈ તૂટી જતા મહિલા તબીબે પૂર્વ મંગેતરને ડરાવવા કૃત્ય આચર્યાનું બહાર આવ્યું

અમદાવાદ:વીએસ હોસ્પિટલના ડૉકટર અને તેમની ગર્લફ્રેન્ડને ફેક મેઈલ આઈડીથી ધમકી આપનાર ફરિયાદીની પૂર્વ મંગેતર અને પાટણની મહિલા ડૉકટર ઝડપાઇ છે યુવતીએ ડૉકટર સાથેની સગાઈ તૂટી જતા મહિલા તબીબે પૂર્વ મંગેતરને ડરાવવા આ કૃત્ય આચર્યાનું બહાર આવ્યું હતું.

  વીએસ હોસ્પિટલના ડૉકટર મેહુલ જયેશ મહેતા (ઉં,32)(રહે ,સ્વસ્તિક એપાર્ટમેન્ટ, બ્રહ્મક્ષત્રિય સોસાયટી પાસે,પ્રીતમનગર, એલિસબ્રિજએ સાયબર સેલમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ મુજબ હૈદરઅલી મન્સૂરી નામના વ્યક્તિના મેઈલ આઈડીથી પરથી ડો, મેહુલ અને તેમની ગર્લફ્રેન્ડ રાધિકા મારફતીયાને ધમકી ભર્યા મેઈલ આવ્યા હતા. જેમાં રાધીકાને ” એને મારી બહેનને મારી નાખી, તું પણ એક સ્ત્રી છે. તને કોઈ સંવેદના નથી” તેવો મેઈલ કર્યો હતો. આ બાબતે રાધીકાએ ડો, મેહુલને વાત કરતા તેને વિચાર્યું કે કોઈ દર્દીના સગાએ ગર્લફ્રેન્ડને મેઈલ કર્યો હશે

ડો.મેહુલને પણ ધમકીભર્યો મેઈલ આવ્યો હતો. જેમાં જો તું તારી વાઈફ રાધીકાનું નહીં માને અને રૂપિયા નહીં આપે તો મારે ડૉ, રુચીને વાત કરવી પડશે. આ સિવાય પણ મેહુલ ઘણા બધા અજાણ્યા નંબર પરથી મેસેજ અને કોલ આવતા હતા. આથી ડૉ.મેહુલ મેહતાએ સાયબર સેલમાં ફરિયાદ કરી હતી.

સાયબર સેલના ડીસીપી અમિત વાસવાની સૂચના આધારે પીઆઈ સી.યુ.પરેવા અને એએસઆઈ પ્રિયંકા શ્રીમાળીએ ટેક્નિકલ એનાલીસીસ કરતા પાટણની ડૉ,વિધિની સંડોવણી આ ગુનામાં ખુલી હતી.

તપાસને પગલે સાયબર સેલની ટિમે પાટણના ગાંધીબાગ રોડ પર ગુર્જરી હોટલ સામે ભારતી સોસાયટીમાં રહેતી ડૉ. વિધિ રશ્મિકાંત શાહની ધરપકડ કરી હતી. વિધિએ પોલીસ તપાસમાં જણાવ્યું હતું કે, અગાઉ ડૉ,મેહુલ સાથે તેની સગાઈ થઈ હતી. આ દરમિયાન બન્ને વચ્ચે મન દુઃખ થતાં સગાઈ તૂટી ગઈ હતી. આથી ડૉ, વિધિએ પૂર્વ મંગેતરને ડરાવવા આ કૃત્ય કર્યું હતું.

(10:26 pm IST)