ગુજરાત
News of Monday, 22nd November 2021

ઉર્વશી રાદડિયાપર ડોલો ભરી ભરીને રૂપિયાનો વરસાદ કરાયો

ઉર્વશીરાદડિયાએ સોશિયલ મીડિયા પર વીડિયો શેર કર્યો : ગુજરાતમાં લોક ડાયરાના કાર્યક્રમમાં કલાકાર પર પૈસાનો વરસાદ થવો એ હવે ખૂબ જ સામાન્ય બની ગયું છે

અમદાવાદ, તા.૨૧ : ગુજરાતમાં લોક ડાયરાના કાર્યક્રમમાં કલાકાર પર પૈસાનો વરસાદ થવો એ હવે ખૂબ જ સામાન્ય બની ગયું છે. જોકે સામાન્ય વ્યક્તિ માટે એક સાથે આટલા બધા પૈસાનો વરસાદ થતો જોવું એ આશ્ચર્યજનક છે. ત્યારે ગુજરાતી ગાયિકા અને લોક ડાયરાનાં કલાકાર ઉર્વશી રાદડિયાએ એક કાર્યક્રમ કર્યો હતો. તે સમયે ચારે તરફથી મંચ પર પૈસાનો વરસાદ થયો હતો. આ સાથે જ તેમનું આખું મંચ પૈસાથી ખચોખચ ભરાઈ ગયું હતું. ઉર્વશી રાદડિયાએ પોતે સોશિયલ મીડિયા એકાઉન્ટ પર આ વીડિયો શેર કર્યો હતો. ઉર્વશી રાદડિયા સ્ટેજ પર બેસીને ભજન ગાતી જોવા મળે છે અને તેના ચાહકો તેના શાનદાર અવાજ અને અંદાજથી પ્રભાવિત થઈને પૈસા વરસાવી રહ્યા છે. ઉર્વશી રાદડિયા જે સ્ટેજ પર ગીત ગાઈ રહી છે તે પહેલેથી જ રૂપિયાથી ઢંકાયેલું છે.

            ગાયિકા હાર્મોનિયમમાંથી નોટ્સ કાઢીને એક સ્મિત સાથે પોતાનું સોંગ ચાલુ રાખે છે, પરંતુ તેના સોંગથી ખુશ થઈને લોકો તેના પર પૈસાનો વરસાદ ચાલુ રાખે છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી શેર થઈ રહ્યો છે. આ વીડિયોને અત્યાર સુધીમાં હજારો લોકો જોઈ ચૂક્યા છે. એક અંદાજ પ્રમાણે આ વીડિયોને અનેક લાઈક્સ, કોમેન્ટ મળી ચૂકી છે. વીડિયો જોઈને એક યુઝરે લખ્યું બાપ રે પૈસા કી વરસાદ, બીજાએ લખ્યું ગુજરાતી લોકગીતોમાં પાવર છે. ઉર્વશી રાદડિયાએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી આ વીડિયો પોસ્ટ કર્યો છે. વીડિયો શેર થતાની સાથે જ કોમેન્ટ્સ આવવા લાગી. વીડિયો પોસ્ટ કરીને ઉર્વેશી રાદડિયાએ લોકોના અપાર પ્રેમ બદલ આભાર પણ વ્યક્ત કર્યો હતો. તેમણે લખ્યું કે ગુજરાતમાં શ્રી સમસ્ત હીરાવાડી ગ્રુપ દ્વારા આયોજિત તુલસી વિવાહ સમારોહ દરમિયાન પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉર્વશી રાદડિયા એક ગુજરાતી લોક ગાયિકા છે. લોકો તેમને પ્રેમથી કાઠિયાવાડની કોયલ કહે છે. તેમનો જન્મ ૨૫ મે ૧૯૯૦ના રોજ અમેઠી, ગુજરાત ખાતે થયો હતો. તેણે પોતાનું શિક્ષણ અમદાવાદથી પૂર્ણ કર્યું છે. ઉર્વશી છ વર્ષની ઉંમરથી ગીતો ગાતી રહી છે.

(8:56 pm IST)