ગુજરાત
News of Saturday, 23rd January 2021

મનપા ચૂંટણીના પરિણામો બાદ પંચાયતો માટે મતદાનના જાહેરાતથી વિપક્ષને વાંધો

મનપાની તા.23મી ફેબ્રુઆરીએ મતગણતરી અને જિલ્લા અને તાલુકા પંચાયતોમાં 28મી ફેબ્રુઆરીએ મતદાન: 2015માં પણ આ પ્રકારનો વિવાદ થયો હતો

અમદાવાદ : રાજ્ય ચૂંટણી પંચે  અમદાવાદ સહિત 6 મહાનગરપાલિકા અને જિલ્લા પંચાયત સહિત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના નોટિફિકેશન સામે વિવાદ ઉભો થયો છે. અમદાવાદ સહિત મહાનગરપાલિકા મતગણતરી બાદ જિલ્લા પંચાયતોની માટે મતદાન કરવાની તારીખથી વિવાદ ઉભો થયો છે. રાજ્ય ચૂંટણી પંચે મહાનગરપાલિકાની તા.23મી ફેબ્રુઆરીએ મતગણતરી યોજાશે. જ્યારે જિલ્લા અને તાલુકા પંચાયતોમાં 28મી ફેબ્રુઆરીએ મતદાન યોજાશે. આમ, રાજ્ય ચૂંટણી પંચના નિર્ણય સામે ગંભીર પ્રતિક્રિયા આવી રહી છે. આ નિર્ણય રાજકીય હોય અને સત્તાધારીઓના મનમુતાબીક લેવાયાના ગંભીર આરોપ લાગી રહ્યાં છે, સમગ્ર વિવાદ કોર્ટ સુધી પહોંચે તો નવાઈ નહિ.

 આજે રાજ્ય ચૂંટણી પચ દ્વારા સ્થાનિક સ્વરાજ સંસ્થાની ચૂંટણીનું એલાન કરી દીધું છે. આગામી 21મી ફેબ્રુઆરીએ છ મહાનગરપાલિકાની ચૂંટણી એટલે કે મતદાન થશે. આની મતગણતરી તા.23મીએ યોજાશે. જ્યારે 81 નગરપાલિકા, 31 જિલ્લા પંચાયત અને 231 તાલુકા પંચાયતોમાં તા. 28 ફેબ્રુઆરીએ મતદાન યોજાશે. જ્યારે આ તમામની મતગણતરી 2 માર્ચના રોજ થશે. આમ, મહાનગરપાલિકાના પરિણામ આવે પછી 31 જિલ્લા પંચાયતની ચૂંટણી યોજાશે. આ સામે અત્યારે વિરોધ શરૂ થયો છે

આ અંગે અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનના પૂર્વ વિપક્ષના નેતા દિનેશ શર્માએ આ અંગે તીખી પ્રતિક્રિયા આપી છે તેમણે જણાવ્યું છે જે, રાજ્ય ચૂંટણી પંચની ભૂમિકા તટસ્થ હોવી જોઈએ પણ જે પ્રકારે તારીખો જાહેર કરાઇ છે તે જોતાં રાજ્ય ચુંટણી પંચનું કાર્યાલય “કમલમ” ખાતે હોય તેવો ઘાટ જોવા મળી રહ્યો છે. માત્ર સત્તાધીશોની અનુકૂળતા માટે મહાનગરપાલિકાની મતગણતરી પહેલા રખાઈ છે, જેના કારણે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના મતદાનને પ્રભાવિત કરી શકાય પણ આ એમની મેલીમુરાદ એ દર્શાવે છે કે, તેઓ હાર ભાળી ગયા છે, હવે યેનકેન પ્રકારે ચૂંટણી પંચને હથિયાર બનાવી રહ્યાં છે.”

 2015માં પાટીદાર આંદોલન વખતે પણ પહેલા રાજ્ય ચૂંટણી પંચે મહાનગરપાલિકા અને જિલ્લા પંચાયતની મતદાન અને મતગણતરી અલગ અલગ રાખવાની યોજના જાહેર કરી હતી પછી રાજ્ય ચૂંટણી પંચ દ્વારા પહેલા મહાનગરપાલિકાની મતગણતરી બાદ જિલ્લા પંચાયત માટે મતદાન જાહેર કરાયુ હતું પણ આ મુદ્દે કોંગ્રેસના નેતા શક્તિસિંહ ગોહિલ સુપ્રીમ કોર્ટમાં ગયા હતા. કોર્ટ દ્વારા તમામ મહાનગરપાલિકા અને જિલ્લા પંચાયતની મતગણતરી સાથે કરવા આદેશ કર્યો હતો. પાંચ વર્ષ પછી 2015 જેવી સ્થિતિ ઉભી થતા વિવાદ થયો છે.

(6:51 pm IST)