ગુજરાત
News of Tuesday, 23rd February 2021

ભાજપના રામ મોકરિયા અને દિનશ પ્રજાપતિ રાજ્યસભામાં બિનહરિફ ચૂંટાયા

ભાજપના સાંસદ અભય ભારદ્વાજ અને કોંગ્રેસના સાંસદ અહેમદ પટેલના મૃત્યુથી બેઠકો ખાલી પડી : એક દિવસે અલગ મતદાનની જાહેરાત થયા બાદ કોંગ્રેસે ઉમેદવાર ઉભા ન રાખતા બન્ને સીટ ભાજપને ફાળે ગઈ

ગાંધીનગર, તા. ૨૨ : ગુજરાતમાં રાજ્યસભાની બન્ને બેઠક ભાજપને બિન હરિફ મળી ગઈ છે. ભાજપના રામ મોકરિયા અને દિનશ પ્રજાપતિને આજે બિન હરિફ જાહેર કરવામાં આવ્યા છે. એક દિવસે અલગ અલગ મતદાનની જાહેરાત થયા બાદ કોંગ્રેસે ઉમેદવાર ઉભા રાખતા બન્ને સીટ ભાજપને ફાળે ગઈ છે. બન્ને ઉમેદવારને આજે ચૂંટણીપંચે જીતના સર્ટિફિકેટ આપી દીધા છે. ઉલ્લેખનીય છે કે, ભાજપના સાંસદ અભય ભારદ્વાજ અને કોંગ્રેસના સાંસદ અહેમદ પટેલના નિધનથી બન્ને બેઠક ખાલી પડી હતી.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યસભાની ચૂંટણીમાં બિનહરીફ વિજયી બનવા બદલ રામભાઈ મોકરિયાને અભિનંદન પાઠવી તેઓ સાંસદ તરીકે કેન્દ્ર અને રાજ્ય સરકારની જન કલ્યાણકારી યોજનાઓ જન-જન સુધી પહોંચાડે અને પોતાના વિસ્તારને વિકાસની નવી ઊંચાઈ પર લઈ જાય તેવી શુભકામનાઓ પાઠવી છે.

પહેલા ભાજપે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાંથી બે ઉમેદવારોની પસંદગી કરી હતી. જેમાં મૂળ પોરબંદરના અને મારુતિ કુરિયરના માલિક રામભાઈ મોકરીયા તથા ડિસાના ભાજપના આગેવાન અને બક્ષીપંચ મોરચાના પ્રદેશ પ્રમુખ દિનેશ પ્રજાપતિને ઉમેદવાર બનાવ્યા હતા.

રામભાઈ મૂળ પોરબંદરના વતની છે.તેમને એક દીકરી અને બે દિકરા છે. તેઓ ૧૯૭૬થી વિદ્યાર્થી પરિષદ, સંઘ પરિવાર અને વીએચપી સાથે જોડાયેલા છે. તેમને વડાપ્રધાન મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી રૂપાણી સાથે ખૂબ સારા સંબંધો છે. તેઓ ૧૯૭૮ જનસંઘમાં જોડાયા બાદમાં ભાજપમાં જોડાયા હતાં.૧૯૮૯ નગરપાલિકામાં પ્રથમવાર કાઉન્સિલર બન્યા હતાં. તેઓ ભાજપના પ્રદેશ કારોબારી સભ્ય રહી ચૂક્યા છે.તેઓ પોરબંદરમાં ભાજપના અનેક હોદ્દા પર રહી ચૂક્યા છે.તેમણે પ્રથમ ટ્રાવેલ્સના વ્યવસાય સાથે ૧૯૮૫માં મારૂતિ કુરિયરની શરૂઆત કરી હતી. તેઓ ખેતી સાથે સંકળાયેલા પણ છે.

ભાજપે રાજ્યસભાની ચૂંટણીમાં સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતને સાચવી લીધું છે. રામભાઈ મોકરીયાની સાથે ઉત્તરગુજરાતમાં ભાજપના આગેવાન તથા ગુજરાત ભાજપમાં બક્ષીપંચ મોરચાના પ્રદેશ પ્રમુખ દિનેશ પ્રજાપતિને ટિકિટ આપી છે. દિનેશ પ્રજાપતિ ડિસાભાજપના આગેવાન છે. રાજ્યસભામાં ગુજરાતની કુલ ૧૧ બેઠક છે, જેમાંથી સૌથી વધુ બેઠક હાલ ભારતીય જનતા પાર્ટીના ખાતામાં છે, જ્યારે બાકીની બેઠક કૉંગ્રેસ પાસે છે. ભાજપમાંથી પરસોતમ રૂપાલા, મનસુખ માંડવિયા, નરહરિ અમીન, રામ મોકરિયા, દિનેશ પ્રજાપતિ, રમીલા બારા, ડૉ.એસ.જયશંકર અને જુગલજી ઠાકોર સાંસદ છે. જ્યારે કૉંગ્રેસમાંથી શક્તિસિંહ ગોહિલ, અમીબેન યાજ્ઞિક અને નારણસિંહ રાઠવા સાંસદ છે.

(9:36 pm IST)