ગુજરાત
News of Tuesday, 23rd February 2021

પોપ્યુલર બિલ્ડર : SBR સોશ્યલ ફૂડ કોટ કેસમાં મૌનાંગ પટેલના આગોતરા જામીન મંજુર કરાયા

સુપરવાઈઝરને મહેનતાણું નહિ ચૂકવ્યાના આરોપ સાથે ફરિયાદનો કેસ

અમદાવાદ : શહેરના સિંધુ ભવન રોડ પર આવેલી SDR ફૂડ કોટમાં સુપરવાઈઝર તરીકે કાર્યરત ફરિયાદીને વર્ષ 2017થી મહેનતાણું ચૂકવવામાં આવ્યું ના હોવાના આક્ષેપ સાથે દાખલ કરાયેલી ફરિયાદમાં અમદાવાદની કોર્ટે આરોપી મૌનાંગ પટેલના આગોતરા જામીન મંજુર કર્યા છે

   કોર્ટે મૌનાંગ પટેલના આગોતરા જામીન મંજુર કરતા કહ્યું હતું કે આરોપીને તપાસ અધિકારી સમક્ષ 26મી ફેબ્રુઆરીના રોજ અને ત્યારપછી તપાસ માટે બોલાવવામાં આવે ત્યારની તારીખો પર હાજર રહેવુ પડશે. કોર્ટે તપાસ માટે જો જરૂર પડે તો પોલીસ આરોપીના રિમાન્ડ મેળવવા માટે કોર્ટ સમક્ષ અરજી કરી શકે છે, તેનો માર્ગ ખુલ્લો રાખ્યો છે. આરોપી પુરાવવા સાથે છેડછાડ કરશે નહીં તેવી પણ કોર્ટે શરત રાખી છે.

    આરોપીના એડવોકેટ તરફે રજુઆત કરવામાં આવી હતી કે અરજદાર તમામ પ્રકારની તપાસમાં સહયોગ કરશે અને હાજરી આપશે. કોર્ટમાં ટ્રાયલ દરમિયાન પણ હાજર રહેવાની ખાતરી આપે છે. જેથી આરોપીના આગોતરા જામીન મંજુર કરવામાં આવે. અરજદાર – આરોપી સામે પત્ની દ્વારા દાખલ કરાયેલા દહેજ માંગણી કેસમાં પણ ગુજરાત હાઈકોર્ટે આરોપીના જામીન મંજુર કર્યા છે. અત્યાર સુધીમાં પોપ્યુલર બિલ્ડર્સ સામે કુલ 5 ફરિયાદ દાખલ થઈ ચૂકી છે.

  સરકારી વકીલ તરફે રજુઆત કરવામાં આવી હતી કે જો આરોપીના આગોતરા જામીન મંજૂર કરવામાં આવશે તો પુરાવવા સાથે ચેડાં કરી શકે છે. આ કેસના કેટલાક આરોપી હિસ્ટ્રીશીટર છે અને એક કરતાં વધુ ફરિયાદ દાખલ થયેલી છે. ગુજરાત હાઇકોર્ટ સમક્ષ જે એડ્રેસ દર્શાવવામાં આવ્યું છે, ત્યાં આરોપી રહેતો નથી અને તપાસ દરમિયાન હાજર રહેશે કે નહીં તેની શંકા હોવાથી આગોતરા જામીન ન આપવામાં આવે.

આ સમગ્ર કેસની વિગત એવી છે કે પોપ્યુલર બિલ્ડર્સ ફરિયાદી સંદીપ પટેલને સિંધુ ભવન રોડ પર SBR સોશ્યલ ફૂડ કોટમાં સુપરવાઈઝર તરીકે મહિને 40 હજાર રૂપિયા પર રાખ્યો હતો. આ સાથે નફામાંથી 5 ટકાની વાત થઈ હોવાનો ફરિયાદીએ દાવો કર્યો છે. આ ફૂડ કોટમાં મૂડી રોકણ પ્રિયેશ પટેલ, રમણ પટેલ અને મૌનાંગ પટેલ દ્વારા કરવામાં આવ્યું હોવાનું પોલીસ ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે.

આ ફરિયાદીએ દાવો કર્યો છે કે તેણે 15 મહિના ફૂડ કોટ ચલાવી છે અને વર્ષ 2017થી તેને કોઈ મહેનતાણું ચૂકવવામાં આવ્યો નથી. આમ અત્યાર સુધીનું કુલ મહેનતાણાની રકમ 12.30 લાખ થાય છે. આ કેસમાં ફરિયાદી દ્વારા 3 લોકો સામે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.

(10:14 am IST)