ગુજરાત
News of Tuesday, 23rd February 2021

'આપ'ને ઉભા રહેવાની જગ્યા મળી : ભવિષ્યમાં 'ચાલવાની' તક

ચલતા રહુંગા પથ પર, ચલને મેં માહિર બન જાઉંગા, યા તો મંજિલ મિલ જાયેગી, યા તો અચ્છા મુસાફીર બન જાઉંગા : સુરતમાં કોંગી કરતા આમ આદમી પાર્ટી આગળ : બે આંકડે બેઠકો કબજે : રાજકોટ જેવા મહાનગરોમાં હજારો મત મેળવ્યા : રાજ્યમાં ત્રીજા બળનો ઉદય

રાજકોટ તા. ૨૩ : ગુજરાતમાં આજે ૬ મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારની ચૂંટણીનું પરિણામ જાહેર થતા ભાજપનો કેસરિયો વિજય વાવટો લહેરાયો છે. કોંગ્રેસ પરાજય સાથે વધુ નબળી પડી છે. ત્રીજા બળ તરીકે આમ આદમી પાર્ટીનો ઉદય થયો છે. આ લખાય છે ત્યારે બપોરે ૨ વાગ્યાની સ્થિતિ મુજબ સુરતમાં ભાજપ પછી આપ બીજા ક્રમે અને કોંગ્રેસ ત્રીજા ક્રમે છે. રાજકોટ જેવા મહાનગરોમાં 'આપ'ને હજારો મત મળ્યા છે.

આમ આદમી પાર્ટીને કયાંય કીંગ કે કીંગ મેકર બનવાની તક મળી નથી છતાં નોંધપાત્ર દેખાય રહ્યો છે. ભાજપના પ્રદેશ પ્રમુખના ઘર આંગણે સુરતમાં ઝાડુએ સફાઇ કરીને ૨૧ બેઠકો મેળવી લીધી છે. રાજકોટમાં 'આપ'ના ઉમેદવારોને ૧ થી ૯ હજાર સુધી મત મળ્યા છે. આપે કોના મત કાપ્યા તે અલગ વિશ્લેષણનો વિષય છે પણ ગુજરાતમાં ઉભા રહેવા જેટલો જનાધાર મેળવી લીધો છે. ઉભા રહેવાની જગ્યા કર્યા પછી હવે આપને ગુજરાતમાં ચાલવાની તક છે. અમુક વોર્ડમાં કોંગી અને આપના મતનો સરવાળો ભાજપના મત કરતા વધુ થાય છે. ૨૦૨૨ની ધારાસભાની ચૂંટણીમાં આપ મજબૂતાઇથી મેદાને આવે તેવો વર્તારો છે.

(4:02 pm IST)