ગુજરાત
News of Tuesday, 23rd February 2021

પાલનપુરના સરકારી માલનાં ગોડાઉનમાં વિજિલન્સના દરોડા:1.90 કરોડના અનાજની ગોલમાલ થતા તપાસ હાથ ધરવામાં આવી

પાલનપુર: શહેરના સરકારી માલ ગોડાઉન માંથી વિજિલન્સ તપાસમાં રૃ.૧.૯૧ કરોડના  અનાજની ઉચાપત બહાર આવતા જિલ્લાના અન્ય માલ ગોડાઉનમાં સરકારી અનાજમાં કોઈ ગોલમાલ થઈ છે કે કેમ તેની તપાસ માટે જિલ્લા પુરવઠા તંત્રની ટિમો દ્વારા ૧૦ જેટલા વિવિધ માલ ગોડાઉનમાં તપાસ હાથ ધરવાની તજવીજ હાથ ધરાઈ છે. જોકે ગાંધીનગર પુરવઠા તંત્ર અને વિજિલન્સ ની ટીમ દ્વારા પાલનપુરદાંતા અને ભાભર માલ ગોડાઉનના જથ્થાની તપાસ હાથ ધરાઈ હતી. જેમાં પાલનપુરમાં સરકારી અનાજ સગેવગે કરવાના કૌભાંડનો પર્દાફાશ થયો હતો જ્યારે દાંતા અને ભાભરમાં કોઈ ગેરરીતી બહાર આવી નથી.

સરકાર દ્વારા ગરીબ પરિવારોને જીવન ગુજારા માટે રાહત દરે ઘઉં ચોખા સહીત નો પુરવઠો પૂરો પાડવામાં આવે છે. જેમાં બનાસકાંઠામાં એફસીઆઈ દ્રારા ૧૩ તાલુકામાં આવેલ પુરવઠા નિગમના માલ ગોડાઉનમાં અનાજનો જથ્થો મોકલવામાં આવે છે. ત્યારે બાદ માલ ગોડાઉન મારફતે જે તે રેશનિંગની દુકાને પુરવઠા પહોંચાડવામાં આવે છે. જેમાં પાલનપુર ખાતે આવેલ માલ ગોડાઉનમાં છેલ્લા ચાર માસ દરમ્યાન ફાળવેલ ઘઉં તેમજ ચોખાના મોટાભાગનો જથ્થા સગેવગે થયો હોવાથી ગાંધીનગર પુરવઠા તંત્ર અને વિજિલન્સ ની ટીમ દ્રારા પાલનપુર માલ ગોડાઉનમાં તપાસ કરવામાં આવતા અહીં રૃ.૧.૯૧ કરોડની કિંમતના ઘઉં તેમજ ચોખાના ૧૫૨૪૯ કટ્ટાની ઉચાપત કરાઈ હોવાનું બહાર આવતા ગોડાઉન મેનેજર સામે એફઆઈઆર દાખલ કરાઈ છે તેમજ દાંતા અને ભાભર માલ ગોડાઉનની તપાસમાં કોઈ ક્ષતિઓ ન જણાતા અહીં તપાસ પૂર્ણ કરાઈ છે. અને જિલ્લાના વધું ૧૩ ગોડાઉનમાં પાલનપુરની જેમ અનાજ ગાયબ થયું છે કે  કેમ તેની તપાસ માટે જિલ્લા પુરવઠા તંત્રની ટિમો દ્રારા તપાસની તજવીજ હાથ ધરવામાં આવી છે જેને લઈ ગોડાઉન મેનેજરો માલ ની ડિલિવરી કરતા કોન્ટ્રાક્ટરો અને માલ નું ઓડિટ કરતા ચાર્ટર એકાઉન્ટરોમા ફફડાટ ફેલાયો છે.

(4:59 pm IST)