ગુજરાત
News of Tuesday, 23rd February 2021

સુરતના ખટોદરા નજીક સિલાઈના કારખાનામાં રાત્રે ત્રાટકેલા તસ્કરો ટેમ્પોમાં 1.80 લાખની કિંમતનો સામાન લઇ રફુચક્કર:સીસીટીવીના આધારે તપાસ હાથ ધરવામાં આવી

સુરત: શહેરના ખટોદરા સોમા કાનજીની વાડીમાં આવેલા સિલાઇના કારખાનામાં રાત્રે ત્રાટકેલા તસ્કરો ટેમ્પોમાં લહેંગાના 11 પોટલા કિંમત રૂા. 1.80 લાખની મત્તા ચોરી ભાગી ગયા હતા. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ હોવાથી પોલીસે તેના આધારે તપાસ હાથ ધરી છે.

રૂસ્તમપુરા-મોમનાવાડ સ્થિત મસ્જિદની સામે રહેતા શશાંક પ્રમોદચંદ ભરતવાલા (ઉ.વ. 43) અને તેનો સાળો અજય વિજયસીંગ ઠાકોર ખટોદરા સ્થિત સોમા કાનજીની વાડી પ્લોટ નં. 3 ના બ્લોક નં. 2માં સિલાઇનું કારખાનું ચલાવે છે. રવિવારે રાત્રે ત્રાટકેલા તસ્કરો કારખાનાના મેઇન દરવાજાનું તાળું લોખંડની નરાજ વડે તોડી અંદર પ્રવેશી સિલાઇ જોબવર્કના 300 લહેંગાના 11 પોટલા કિંમત રૂા. 1.80 લાખની મત્તાના ચોરીને ભાગી ગયા હતા.

સવારે પાણી સપ્લાયરે શશાંકને જાણ કરતા તેઓ તુરંત જ કારખાને દોડી આવ્યા હતા. શશાંકે કારખાનાના સીસીટીવી ફૂટેજ ચેક કરતા તેમાં ચાર ચોર ટેમ્પો લઇને આવ્યા હતા અને ચાર પૈકી એક ચોર દસ દિવસ અગાઉ કારખાનામાં કચરો લેવા આવ્યો હતો તે હોવાનું નજરે પડયું હતું. ઘટના અંગે શશાંકે ખટોદરા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હતી.

(5:00 pm IST)