ગુજરાત
News of Tuesday, 23rd February 2021

નવા સિમાંકનના કારણે અમારી હાર થઇઃ અમદાવાદના પૂર્વ વિપક્ષના નેતા દિનેશ શર્મા, જામનગર કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજા, વડોદરા કોંગ્રેસના દિગ્‍ગજ નેતા ચિરાજ ઝવેરીની ભુંડી હાર

અમદાવાદ: 2021ની મહાનગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસની ભૂંડી હાર થઈ છે. ગુજરાતની જનતાએ કોંગ્રેસનો જાકારો આપ્યો છે. મહાનગરપાલિકાની ચૂંટણીમાં અનેક વોર્ડમાં કોંગ્રેસ પોતાનું ખાતુ પણ ખોલાવી શકી નથી. સુરતમાં કોંગ્રેસના હાલ બેહાલ થયા છે. આવામાં કોંગ્રેસના અનેક દિગ્ગજ નેતાઓએ હારનો સામનો કરવો પડ્યો છે. પ્રજાએ આ નેતાઓને પણ જાકારો આપ્યો છે. જેમાં અમદાવાદના પૂર્વ વિપક્ષના નેતા દિનેશ શર્મા, જામનગર શહેરના પ્રમુખ દિગુભા જાડેજા અને વડોદરામાં કોંગ્રેસના દિગ્ગજ નેતા ચિરાગ ઝવેરીની ભૂંડી હાર થઈ છે.

અમદાવાદમાં દિનેશ શર્માની હાર

અમદાવાદમાં કોંગ્રેસના પૂર્વ વિપક્ષના નેતા દિનેશ શર્માની હાર થઈ છે. તેઓ ચાંદખેડા વોર્ડમાં હારી ગયા છે. ચાંદખેડામાં વોર્ડ નંબર 3 માં ભાજપના 3 અને કોંગ્રેસના એક ઉમેદવારની જીત થઈ છે. પરંતુ આ વોર્ડમાં દિનેશ શર્મા હાર્યા છે. પોતાની હાર દેખાઈ જતા દિનેશ શર્માએ અંતિમ જાહેરાત પહેલા જ મતગમતરી સ્થળ છોડ્યું હતું. પોતાના વોર્ડમાં દિનેશ શર્માએ ચૂંટણી પ્રચારમાં ભવ્ય રેલીનું આયોજન કર્યું હતું. તેઓએ ભવ્ય શક્તિ પ્રદર્શન કર્યું હતું. જેમાં કાર અને બાઈક સાથે તેમના ટેકેદારો જોયા હતા. આક્રમક પ્રચાર છતાં તેઓ નિષ્ફળ ગયા હતા. ચાંદખેડાની પ્રજાએ તેમને જાકારો આપ્યો છે.

ચિરાગ ઝવેરની હાર પર ભાજપનો પ્રહાર

તો બીજી તરફ, વડોદરામાં વોર્ડ 18 માં કોંગ્રેસના કદાવર નેતા ચિરાગ ઝવેરી અને તેમની પેનલની હાર થઈ છે. ચિરાગ ઝવેરી સતત 6 ટર્મથી કોંગ્રેસના કોર્પોરેટર હતા. છતાં 2021ની ચૂંટણીમાં તેમનો જાદુ ન ચાલ્યો. ચૂંટણી પહેલા તેમના પક્ષપલટાના સમાચાર પણ વહેતા થયા હતા. વોર્ડ 18 માં ભાજપના કલ્પેશ પટેલ, કેતન પટેલ, ભારતી ભદ્રેશ્વરા, સુરૂતા પ્રધાનનો વિજય થયો છે. ચિરાગ ઝવેરીએ પોતાની હાર સ્વીકારી હતી. તેમણે કહ્યું કે, નવા સીમાંકનને કારણે અમારી હાર થઈ છે. હાર થઈ હોવા છતાં 5 વર્ષ લોકસેવાના કામ કરીશ. તો ચિરાગ ઝવેરીની હાર પર ભાજપ વિજેતા ઉમેદવાર કલ્પેશ પટેલે કહ્યું કે, ચિરાગ ઝવેરીના પાપનો ગઢો ભરાયો છે. કૃષ્ણ ભગવાનના સુદર્શન ચક્રની જેમ જનતાનો ચક્ર ચિરાગ ઝવેરી પર ફરી વળ્યું છે.

જામનગર શહેરના પ્રમુખ હાર્યાં

આ ઉપરાંત જામનગર શહેર કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજાની કારમી હાર થઈ છે. જામનગરમાં વોર્ડ નંબર 2માં કોંગ્રેસની આખી પેનલ હારી ગઈ. આ વોર્ડમાં ભાજપના આખા પેનલની જીત થઈ.

(5:48 pm IST)