ગુજરાત
News of Tuesday, 23rd February 2021

કોરોનામુક્‍ત થયા બાદ કોર્પોરેશનની ચૂંટણીમાં વિજય બાદ હવે નગરપાલિકા, જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણી માટે કાલથી વિજયભાઇ રૂપાણી જાહેરસભાઓ ગજવશે

ગાંધીનગર: કોરોનાને માત આપ્યા બાદ મુખ્યમંત્રી વિજય રૂપાણી હવે ચૂંટણી પ્રચારમાં ઉતરશે. આવતીકાલે 24 ફેબ્રુઆરીએ મુખ્યમંત્રી રૂપાણી ભેંસાણમાં જાહેર સભાને સંબોધશે. તેઓ હવે તાલુકા અનેજિલ્લા પંચાયતની ચૂંટણી માટે પ્રચાર કરશે. કોરોનાગ્રસ્ત હોવાને કારણે મુખ્યમંત્રી અમદાવાદની યુએન હોસ્પિટલમાં એડમિટ હતા. ત્યારે કોરોનામુક્ત થયા બાદ હવે તેઓ પૂરજોશમાં પ્રચાર કરશે.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મહાનગર પાલિકાની સામાન્ય ચૂંટણી મતદાન સંદર્ભમાં રાજકોટ મહાનગર ખાતે પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને મતદાન કર્યું હતું. મુખ્યમંત્રી કોરોનાની સારવાર માટે એક સપ્તાહથી અમદાવાદની યુએન મહેતા હોસ્પિટલમાં દાખલ હતા. જ્યાં મતદાનના દિવસે તેમનો કોરોના ટેસ્ટ રિપોર્ટ નેગેટિવ આવતા તેઓ બપોર બાદ રાજકોટ પહોંચ્યા હતા. તેમણે રાજ્ય ચૂંટણી આયોગની ગાઈડલાઈન અને માર્ગદર્શિકાના પાલન સાથે છેલ્લી ઘડીઓમાં મતદાન કર્યું હતું.

મતદાન આપીને તેઓએ કહ્યું હતું કે, ગુજરાતની પ્રતિષ્ઠાને જાળવી રાખી મતદાન શાંતિપૂર્વક કર્યું છે. કોરોના દર્દી ઝડપથી ટેસ્ટ કરો સારવાર કરાવવી જોઇએ. સરકારી હોસ્પિટલમાં મેં પણ સારવાર લીધી છે, કોઇ ચિંતા ન કરવી જોઇએ. વિકાસ એ મુખ્ય મુદ્દો છે આ ચૂંટણીનો, વિકાસને ધ્યાનમાં રાખી મતદાન કરશો અને અકલ્પનિય પરિણામ આવશે. જિલ્લા પંચાયતમાં પણ કોંગ્રેસના સૂપડા સાફ થશે.

તો બીજી તરફ, ભાજપને વિશ્વાસ છે કે, તમામ 6 મહાનગરપાલિકાઓમાં તેમની જીત થશે. આથી ભાજપે વિજયોત્સવની તૈયારીઓ શરૂ કરી છે. અમદાવાદમાં ભાજપ પ્રમુખ સીઆર પાટીલની વિજયી સભાની તૈયારીઓ ચાલી રહી છે. ખાનપુર ભાજપ કાર્યાલય ખાતે ભાજપના વિજ્યોત્સવની તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે પ્રદેશ પ્રમુખ બન્યા બાદ સીઆર પાટીલ પહેલીવાર ખાનપુર કાર્યાલય જઈ શકે છે.

(5:48 pm IST)