ગુજરાત
News of Tuesday, 23rd February 2021

પ્રધાનમંત્રી કિસાન સન્‍માન નિધી યોજના તેમજ કૃષિ ક્ષેત્રે ટેક્‍નોલોજી ઇનોવેશન માટે ગુજરાત સરકારના કૃષિ-ખેડૂત કલ્‍યાણ વિભાગને બે-બે પ્રતિષ્‍ઠિત એવોર્ડ અર્પણ

ગાંધીનગર: રાજ્ય સરકારના કૃષિ-ખેડૂત કલ્યાણ વિભાગને પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત તેમજ કૃષિ ક્ષેત્રે ટેકનોલોજી ઇનોવેશન માટે એમ બે-બે પ્રતિષ્ઠિત એવોર્ડ સન્માન પ્રાપ્ત થયા છે. ભારત સરકારની મહત્વાકાંક્ષી ખેડૂત કલ્યાણ યોજના પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનામાં ગુજરાતના આદિજાતિ ક્ષેત્ર દાહોદ જિલ્લાને ગ્રિવન્સીસ રિડ્રેસલ-ફરિયાદ નિવારણની શ્રેષ્ઠતા માટે કેન્દ્ર સરકાર દ્વારા એવોર્ડ આપવાની જાહેરાત કરવામાં આવી છે.

રાજ્યના કૃષિ સચિવ મનિષ ભારદ્વાજે આ અંગેની વધુ વિગતો આપતાં જણાવ્યું કે, ગુજરાતમાં પાકના વાવણી વિસ્તાર અને નુકશાનની ગણતરી-ક્રોપ એરિયા એસ્ટિમેશન એન્ડ લોસ એસસમેન્ટ માટે જિઓ સ્પાટીઅલ ટેકનોલોજીના ઉપયોગ માટે પણ ગુજરાત રાજ્યને જિઓ-સ્પાટીઅલ ટેકનોલોજી ઇનોવેશન એવોર્ડ FICCI દ્વારા જાહેર કરવામાં આવ્યો છે. ગુજરાતના આદિજાતિ વિસ્તાર દાહોદ જિલ્લાને પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત ગ્રિવન્સીસ  રિડ્રેસલ-ફરિયાદ નિવારણ કેટેગરીમાં શ્રેષ્ઠત્તમ દેખાવનો જે એવોર્ડ કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરવામાં આવ્યો છે, તેની ભૂમિકા પણ કૃષિ સચિવે આપી હતી.

દેશના ખેડૂતોની આવક વધારવાના હેતુસર ખેડૂત પરિવારોને સહાયરૂપ થવા કેન્દ્ર સરકારના કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિની ફેબ્રુઆરી-ર૦૧૯થી શરૂઆત કરી છે. આ મહત્વાકાંક્ષી યોજના અન્વયે ખેડૂત પરિવારને વાર્ષિક કુલ રૂ. ૬૦૦૦ની સહાય ડી.બી.ટી. મારફતે દર ચાર મહિને રૂ. ર૦૦૦ના સમાન હપ્તામાં ત્રણ વાર ચુકવવામાં આવે છે. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિના સફળ અમલીકરણના બે વર્ષ પૂર્ણ થવા અવસરે ભારત સરકારે દેશના રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના જિલ્લાઓમાં આ યોજનાના અમલની શ્રેષ્ઠતા માટે વિવિધ ત્રણ કેટેગરીમાં એવોર્ડ આપવાની જાહેરાત કરી છે.

સમગ્ર દેશના ૭૧૮ જિલ્લાઓ પૈકી ૧પ જિલ્લાઓને આ ત્રણ કેટેગરી અંતર્ગત ઉત્કૃષ્ટ દેખાવ માટે એવોર્ડ મેળવવા પસંદગી પામ્યા છે. તદઅનુસાર, ગુજરાતના આદિજાતિ વિસ્તારના જિલ્લા દાહોદને ગ્રિવન્સીસ રિડ્રેસલ એટલે કે ફરિયાદ નિવારણ અન્વયે પી.એમ. કિસાન પોર્ટલ દ્વારા મળેલી ૨૧૨૧ ઓનલાઇન અરજીઓમાંથી ૯૮.૪૦ ટકા એટલે કે ર૦૮૭ અરજીઓના નિકાલ માટે ગ્રિવન્સીસ રિડ્રેસલ માટે બેસ્ટ પરફોમન્સનો એવોર્ડ જાહેર થયો છે. તા.ર૪ ફેબ્રુઆરી બુધવારે ભારત સરકારના કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય દ્વારા આ એવોર્ડ રાજ્ય સરકારને એનાયત કરવામાં આવશે.

અત્રે એ નિર્દેશ કરવો જરૂરી છે કે, પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિનો લાભ પારદર્શીતાથી મળી રહે તે માટે ખેડૂતોને સંપૂર્ણ આધારકાર્ડ પ્રમાણભૂત સહાય ચુકવણી તથા ગ્રિવન્સીસ રિડ્રેસલ અને ફિઝીકલ વેરીફીકેશન એમ ત્રણ કેટેગરીમાં કેન્દ્ર સરકારે એવોર્ડ જાહેર કરેલા છે. એવોર્ડ પ્રાપ્ત દાહોદ જિલ્લામાં ૯ તાલુકાના ર,ર૬,૭૪૩ કિસાન પરિવારોને આ યોજના તહેત સહાય આપવામાં આવી છે. કેન્દ્ર સરકારે આ યોજના હેઠળ ખેડૂત પરિવારના તમામ સભ્યોની સંયુકત માલિકીની ખેડાણલાયક જમીનમાં બે હેકટર સુધીની જમીન ધરાવતા કુટુંબોને સહાય આપવાની મર્યાદા પણ જૂન-ર૦૧૯થી દૂર કરી તમામ ખેડૂતોનો આ સહાયમાં સમાવેશ કર્યો છે.

આ એવોર્ડ ઉપરાંત ફિક્કી જિઓ- સ્પાટિયલ એક્સલન્સ ઇન ગવર્નંન્સ, જિઓ- સ્પાટિયલ ટેકનોલોજી ઇનોવેશન અને ફિક્કી જિઓ- સ્પાટિયલ એક્સલન્સ ઇન બિઝનેશ એપ્લિકેશન એમ ત્રણ કેટેગરીમાં એવોર્ડની જાહેરાત FICCI દ્વારા કરવામાં આવી છે. આ એવોર્ડમાં એક માત્ર સરકારી વિભાગ તરીકે ગુજરાત સરકારના કૃષિ-ખેડૂત કલ્યાણ વિભાગને એવોર્ડ મળ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે કૃષિક્ષેત્રના વિકાસ માટે રાજ્ય સરકાર દ્વારા અત્યાધુનિક ટેકનોલોજીના ઉપયોગ બદલ ભારત સરકારના કૃષિ સહકાર અને ખેડૂત કલ્યાણ વિભાગે ખેડૂતોની આવક બમણી કરવાના રિપોર્ટમાં ગુજરાતનો કેસ સ્ટડી તરીકે સમાવેશ કરેલો છે.

આ એવોર્ડ પહેલાં પણ ગુજરાતને ‘બેસ્ટ એગ્રીકલ્ચર એન્ડ ફાર્મિંગ ઇનિસિએટીવ એવોર્ડ’ તથા ‘ડિજીટલ ઇન્ડિયા એવોર્ડ ઇન ઇમર્જિંગ ટેકનોલોજી’ પણ મળ્યો છે. કૃષિ ક્ષેત્રે સાયન્સ એન્ડ ટેકનોલોજીના ઉપયોગથી ખેતીને વધુ નફાકારક વ્યવસાય બનાવી છે. ખેડૂતોની આવક બમણી કરવાના લક્ષ્ય સાથે રાજ્ય સરકાર પણ કૃષિ કલ્યાણ અર્થે અત્યાધુનિક તકનિકોનો ઉપયોગ કરી ખેડૂતોને મદદરૂપ બની રહી છે. સેટેલાઈટ ઇમેજિંગ, રિમોટ સેન્સિંગ, આર્ટીફીશીયલ ઈન્ટેલીજન્સ અને મશીન લર્નિંગ જેવી જિઓ-સ્પાટીઅલ ટેકનોલોજી તેના ઉત્તમ ઉદાહરણો છે.

(5:49 pm IST)