ગુજરાત
News of Tuesday, 23rd February 2021

ગરબાડાની નિમચ ઘાટીમાં એમપીના વેપારી પર ગોળીબાર

વેપારીને પીઠના ભાગે ગોળી વાગતા ગંભીર ઘાયલ : એમપીના રાણાપુરના અનાજના વેપારી પાસે બાઈક પર ઘસી ગયેલ હેલ્મેટધારી યુવકોએ બે રાઉન્ડ ફાયરિંગ કર્યું

દાહોદ,તા.૨૩ : દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના ગુલબાર ગામે નીમચ ઘાટી તરફ આજરોજ મધ્યપ્રદેશના ઝાબુઆ જિલ્લાના રાણાપુર ગામના એક અનાજના વેપારી તથા તેમની સાથે પોતાનો માણસ એમ બંન્ને જણા એક મોટરસાઈકલ પર સવાર થઈ પસાર થઈ રહ્યાં હતા. તે સમયે એક મોટરસાઈકલ પર આવેલ બે અજાણ્યા ઈસમોએ આ વેપારી ઉપર બે રાઉન્ડ ફાયરીંગ કરતાં વેપારીને પીછના ભાગે ગોળી વાગતા ગંભીર ઈજાગ્રસ્ત વેપારીને ગરબાડા પોલીસ દ્વારા દાહોદની એક ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા. ઘટનાને પગલે વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. મધ્યપ્રદેશના ઝાબુઆ જિલ્લામાં રાણાપુર ગામે રહેતા અનાજના વેપારી માણેકલાલ ઉકરજી રાઠોડ અને પોતાનો સાથે કિલુભાઈ બારીયા ને લઇને વહેલી સવાર મધ્યપ્રદેશ અને ગુજરાતની બોર્ડર એવી દાહોદ જિલ્લાના ગરબાડાના નીમચ ઘાટી પરથી મોટરસાઈકલ પર સવાર થઈ પસાર થઈ રહ્યાં હતાં. વેપારી માણેકલાલ રાઠોડ મોટરસાઈકલની પાછળ બેઠા હતા. તેઓનો સાથીદાર કિલુભાઈ બારીયા મોટરસાઈકલ ચલાવી રહ્યાં હતાં. આ બંન્ને રાણાપુરથી નીમચ જઈ રહ્યાં હતાં. આ સમયે ગરબાડાના ગુલબાર ગામે એક મોટરસાઈકલ પર સવાર થઈ આવેલા બે જણા જેમાંથી એકે માથે હેલ્મેટ અને એકે મોઢે રૂમાલ બાંધ્યો હતો. આ અજાણ્યા બંન્ને ઈસમો પૈકી એકે પોતાની પાસેની બંદુક વેપારી માણેકલાલ રાઠોડ સામે તાકી પહેલા પાછળથી એક રાઉન્ડ ફાયરીંગ કર્યું હતું. ત્યાર બાદ મોટરસાઈકલ આગળ લાવી સામેથી ફાયરીંગ કર્યું હતું. આ બે રાઉન્ડ ફાયરીંગમાં પાછળ બેઠેલ વેપારી માણેકલાલ રાઠોડને પાછળથી પીઠના ભાગે બંદુકની ગોળી વાગતાંની સાથે જ તેઓ સ્થળ પર લોહીલુહાણ હાલતમાં પડી ગયાં હતાં. ચાલુ મોટરસાઈકલ પરથી આ વેપારી અને તેમનો માણસ બંન્ને જમીન પર પડતાંની સાથે જ થોડીવાર કિલુભાઈને કંઈ સમજ પડી ન હતી કે શું બન્યું પરંતુ માણેકલાલ રાઠોડને લોહીથી લથબથ હાલતમાં જોઈ તરત જ કીલુભાઈ દ્વારા ગરબાડા પોલીસનો સંપર્ક સાંધ્યો હતો.  ગરબાડા પોલીસ પણ તાત્કાલિક ઘટના સ્થળ પર દોડી ગઈ હતી.

ઈજાગ્રસ્ત વેપારી માણેકલાલ રાઠોડને દાહોદની ખાનગી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડી દેવામાં આવ્યાં હતાં જ્યાં આ વેપારીની હાલત સુધારા પર બતાવવામાં આવી રહી છે. હાલ આ ફાયરીંગ પાછળનું સાચુ કારણ જાણી શકાયું નથી પરંતુ વેપારીની મોટરસાઈકલ ચલાવનાર કીલુભાઈ બારીઆના જણાવ્યા અનુસાર, ફાયરીંગ કરનાર ઈસમો દ્વારા કોઈ લુંટ કરવામાં આવી નથી. ફાયરીંગ કર્યા બાદ ઈસમો નાસી ગયાં હતાં. આ તમામ પાસાઓને ધ્યાનમાં રાખી ગરબાડા પોલીસે વિસ્તારમાં સઘન કોમ્બીંગ હાથ ધરી દીધું છે અને ફાયરીંગ કરનાર તત્વોની તાત્કાલિક ઝડપી પાડવા ચક્રોગતિમાન કરી દીધા છે.

(9:27 pm IST)