ગુજરાત
News of Tuesday, 23rd February 2021

અમદાવાદ મનપામાં ભાજપને 159 સીટ : ઓવૈસીની પાર્ટી AIMIMએ 7 બેઠક જીતી : કોંગ્રેસને માત્ર 25 બેઠકો મળી

પૂર્વ વિપક્ષના નેતા દિનેશ શર્માનો પરાજય : કોંગ્રેસના પ્રમુખ શશિકાંત પટેલે રાજીનામુ આપ્યું

રાજ્યમાં યોજાયેલી તમામ 6 મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપનો ભગવો લહેરાયો છે. અમદાવાદ મહાનગર પાલિકાની ચૂંટણીમાં ભાજપનો 159 બેઠકમાં વિજય થયો છે જ્યારે કોંગ્રેસને માત્ર 25 બેઠક જ મળી છે. અમદાવાદમાં પ્રથમ વખત ચૂંટણી લડી રહેલી અસદ્દુદીન ઓવૈસીની AIMIMએ ખાતુ ખોલાવ્યુ છે અને 7 બેઠક પર જીત મેળવી છે. જ્યારે 1 બેઠક પર અપક્ષ ઉમેદવારનો વિજય થયો છે

અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય થયો હતો જ્યારે કોંગ્રેસની કારમી હાર થઇ હતી. કોંગ્રેસના પૂર્વ વિપક્ષના નેતા દિનેશ શર્માનો પણ ચાંદખેડા વોર્ડમાં પરાજય થયો હતો. કોંગ્રેસની હાર બાદ અમદાવાદ શહેર કોંગ્રેસના પ્રમુખ શશિકાંત પટેલે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધુ હતું.

અમદાવાદમાં ગુજરાત કોલેજ અને એલડી એન્જિનિયરિંગ કોલેજમાં મતગણતરી યોજાઇ હતી. અમદાવાદમાં ક્યાક ભાજપ-કોંગ્રેસની પેનલનો વિજય થયો હતો તો ક્યાક પેનલ તૂટતી જોવા મળી હતી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસ, આમ આદમી પાર્ટી સિવાય ઓવૈસીની AIMIM પણ મેદાનમાં હતી. અમદાવાદમાં જમાલપુર વોર્ડની તમામ 4 બેઠક જીત સાથે AIMIMની આખી પેનલ જીતી હતી જ્યારે મક્મતપુરામાં ઓવૈસીની પાર્ટીએ કોંગ્રેસની પેનલ તોડી હતી અને ત્રણ બેઠક જીતી લીધી હતી જ્યારે એક બેઠક કોંગ્રેસને મળી હતી. અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટી અમદાવાદમાં ખાતુ ખોલાવી શકી નહતી.

ગોતા,ચાંદલોડિયા, સાબરમતી, સરદારનગર, સૈજપુર-બોઘા, નરોડા, નિકોલ, બાપુનગર, વિરાટનગર, સરસપુર, નવાવાડજ, ઘાટલોડિયા, અસારવા, શાહીબાગ, નિકોલ, ખાડિયા, પાલડી, વાસણા, ઓઢવ, વસ્ત્રાલ, ઇન્દ્રપુરી, જોધપુરમાં ભાજપની પેનલ જીતી હતી

દરિયાપુર, દાણીલીમડા, બહેરામપુરા ગોમતીપુમાં કોંગ્રેસની પેનલ જીતી હતી. 1995થી દરિયાપુર વોર્ડ કોંગ્રેસનો ગઢ રહ્યો છે. પોતાનો ગઢ સાચવવામાં કોંગ્રેસ સફળ રહ્યુ હતું. જોકે, ઓવૈસીની પાર્ટીએ કોંગ્રેસના ગઢ ગણાતા મક્તમપુરા અને જમાલપુર વોર્ડમાં ગાબડુ પાડ્યુ હતું

(10:45 pm IST)