ગુજરાત
News of Monday, 23rd May 2022

પાણી નહિ તો વોટ નહીં :મહેસાણાના સતલાસણા તાલુકાના 41 ગામમાં પાણીનો વિકટ પ્રશ્ન : આંદોલન કરવાના મૂડમાં

સુદાસણા ગામથી ખેરાલુ તાલુકાના લુણવા ગામ સુધી વિશાળ બાઇક રેલી યોજી ગામેગામ 'પાણી નહીં તો વોટ નહીં’ના નારા સાથે વિરોધ નોંધાવ્યો: રજૂઆતો કરવા છતાં તંત્ર કે તંત્રના અધિકારીઓ અને હોદ્દેદારો તરફથી કોઈ કામગીરી નહીં થવાના આક્ષેપ સાથે લોકોમાં ભારે રોષ

મહેસાણા : પાણી નહીં, તો વોટ નહીના સૂત્ર સાથે મહેસાણા જિલ્લાના સતલાસણા તાલુકાના 41 ગામ આંદોલન કરવાના મૂડમાં છે. જેમાં સતલાસણા તાલુકામાં છેલ્લા એકમાસથી પાણીનો પ્રશ્ન વિકટ બન્યો છે.. રજૂઆતો કરવા છતાં તંત્ર કે તંત્રના અધિકારીઓ અને હોદ્દેદારો તરફથી કોઈ કામગીરી નહીં થવાના આક્ષેપ સાથે લોકોમાં ભારે રોષ છે.. જેથી ગ્રામ્ય વિસ્તારોમાં રીતસરનો ચૂંટણી બહિષ્કાર કરવાનું નક્કી કર્યું છે.

 . આ અંગેનો વિરોધ કરવા સતલાસણાના સુદાસણા ગામથી ખેરાલુ તાલુકાના લુણવા ગામ સુધી વિશાળ બાઇક રેલી યોજી ગામેગામ 'પાણી નહીં તો વોટ નહીં’ના નારા સાથે વિરોધ નોંધાવ્યો.

જ્યારે ચીમનાબાઈ સરોવરમાં પાણી ભરવાની માગ પણ ઉઠી રહી છે. છેલ્લા 25 વર્ષથી ચીમનભાઈ સરોવર ભરવાનું વચન આપીને નેતાઓ મત તો માગી જાય છે પરંતુ જીતી ગયા પછી કોઈ નેતાઓ પ્રજાને આપેલા વચનો ભૂલી જતા હોવાના આક્ષેપ થઈ રહ્યા છે. જો કે આ વખતે સ્થાનિકો લડી લેવાના મૂડમાં છે અને પાણી નહી તો વોટ નહીંના નારા સાથે ચુંટણી બહિષ્કારની જાહેરાત કરી છે. આ આંદોલનમાં અગાઉ ખેરાલુ તાલુકાના 30 ગામના લોકો જોડાયા હતા, હવે સતલાસણા તાલુકાના 41 ગામ પણ આ આંદોલનમાં જોડાયા છે.

ગુજરાતમાં ઉનાળાના અંતિમ તબક્કામાં જળાશયો તળિયા ઝાટક થતા જળસંકટ ઘેરું બન્યું છે. જેમાં જળસંકટવધુ ઘેરું બનશે તો પરિણામે રાજ્યમાં આગામી સમયમાં પીવાના પાણીની અછત સર્જાય તેવી શક્યતા.જયારે ઉત્તર ગુજરાત અને કચ્છના ડેમોમાં પણ જળસંગ્રહમાં ઘટાડો થયો છે..જેને લઈને રાજયમાં ચોમાસું મોડું બેસે તો જળસંકટ ગંભીર બની શકે છે..ઉત્તર ગુજરાતના 15 જળાશયોમાં 13.19 ટકા, મધ્ય ગુજરાતના 17 જળાશયોમાં 38.95 ટકા, દક્ષિણ ગુજરાતના 13 જળાશયોમાં 52.06 અને કચ્છના 20 જળાશયોમાં 15.36 ટકા પાણી છે.

(9:25 pm IST)