મોડાસા તાલુકાના દાવલી નજીક પસાર થતી કારમાંથી 29 હજારનો વિદેશી દારૂનો જથ્થો ઝડપવામાં આવ્યો
મોડાસા:તાલુકાના દાવલી ગામથી અંતરીયાળ એવા સરડોઈ તરફ ના માર્ગે આવેલ લાલપુર નજીકથી પસાર થતી સેન્ટ્રો કારમાંથી પોલીસે રૂ.૨૯૧૦૦ ની કિંમતની વિદેશી દારૂની ૪૮ બોટલોનો જથ્થો ઝડપી પાડયો હતો. કાર,દારૂનો જથ્થો અને મોબાઈલ મળી કુલ રૂ.૧,૩૪,૧૦૦ નો મુદ્દામાલ કબ્જે કરી પોલીસે ઝડપાયેલ ચાલક સહિત ત્રણ વિરૂધ્ધ ગુનો નોંધ્યો હતો.
જિલ્લામાંથી પસાર થતાં હાઈવે માર્ગોએ પોલીસની ઘોંચ વધતા બુટલેગરો હવે રાજસ્થાનના બોર્ડર વિસ્તારમાંથી જ નાના વાહનોમાં દારૂ ભરી અંતરીયાળ માર્ગેથી પસાર થઈ રહયા છે. દારૂના ખેપીયાઓની આ ચાલ મોડાસા રૂરલ પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેકટર ને સમજણમાં આવતાં અને બાતમીદારોની અસરકારક કામગીરી ને લઈ છેલ્લા કેટલાક સમયમાં મોટાપ્રમાણમાં દારૂનો જથ્થો ઝડપી લેવામાં રૂરલ પોલીસને સફળતા મળી છે.