ગુજરાત
News of Thursday, 23rd June 2022

પ.પૂ.પ્રમુખ સ્વામી મહારાજનું નામ શાળા સાથે જોડીને પ્રમુખસ્વામી મહારાજ લાછરસ પ્રાથમિક શાળા નામકરણ થાય તેવું મંત્રી પૂર્ણેશભાઇ મોદીનું સૂચન

મંત્રી મોદી અને મહાનુભાવોના હસ્તે ૩૫થી વધુ બાળકોને ધોરણ-૧ માં અપાયો રંગેચંગે શાળા પ્રવેશ : બાળકોને શૈક્ષણિક કિટ્સનું વિતરણ :નર્મદા જિલ્લામાં પ્રભારી મંત્રી પૂર્ણેશભાઇ મોદીના હસ્તે લાછરસ ગામની પ્રાથમિક શાળા ખાતેથી જિલ્લાકક્ષાના કન્યા કેળવણી રથયાત્રા-શાળા પ્રવેશોત્સવ ઉજવણીનો પ્રારંભ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : સમગ્ર ગુજરાતમાં આજથી રાજ્ય સરકાર દ્વારા રાજ્યવ્યાપી કન્યા કેળવણી રથયાત્રા અને શાળા પ્રવેશોત્સવ-૨૦૨૨ના આરંભાયેલા ત્રિદિવસીય કાર્યક્રમના ભાગરૂપે આજે નર્મદા જિલ્લા નાંદોદ તાલુકાના લાછરસ ગામની પ્રાથમિક શાળા ખાતે ગુજરાતના માર્ગ અને મકાન વિભાગના મંત્રી અને જિલ્લાના પ્રભારી મંત્રી પૂર્ણેશભાઇ મોદીના હસ્તે દિપપ્રાગટ્ય દ્વારા જિલ્લાકક્ષાના કાર્યક્રમને ખૂલ્લો મૂકાયો હતો

 આ કાર્યક્રમમાં નર્મદા સુગર ફેક્ટરીના ચેરમેન ઘનશ્યમભાઇ પટેલ,કમલેશભાઇ પટેલ, જિલ્લા શિક્ષણાધિકારી જયેશભાઇ પટેલ, સરપંચ ધર્મિષ્ઠાબેન તડવી, શાળા સંચાલક સમિતિના અધ્યક્ષ સોનલબેન તડવી, આચાર્ય મયંક ભટ્ટ સહિત ગામ આગેવાનો પણ તેમાં જોડાયા હતાં.
જિલ્લા પ્રભારી મંત્રી પૂર્ણેશભાઇ મોદીએ તેમના ઉદબોધનમાં વિશ્વના નેતા અને  આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ  ગત ૨૦૦૩ ના વર્ષમાં નર્મદા જિલ્લામાંથી શાળા પ્રવેશોત્સવનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવ્યો હતો. ત્યારબાદથી  આ શાળા પ્રવેશોત્સવ ગુજરાતમાં ઉજવાઇ રહ્યોં છે. ડૉ. શ્યામપ્રસાદ મુખર્જીના બલિદાન દિનથી આજે લાછરસ પ્રાથમિક શાળામાં ૩૫ થી વધુ બાળકોને મોઢુ મીઠુ કરાવીને ધોરણ-૧ માં રંગેચંગે શાળા પ્રવેશ અપાયો છે, ત્યારે આ બાળકો અધવચ્ચેથી અભ્યાસ છોડીને  ન જાય અને તેમનામાં રહેલું કૌશલ્ય ખીલવાની સાથે  તેમનું સર્વાંગી વિકાસ થાય તે દિશામાં શાળાના શિક્ષકો અને વાલીઓને સઘન પ્રયાસો થકી જરૂરી પ્રોત્સાહન પુરુ પાડવા મોદીએ ખાસ અનુરોધ કર્યો હતો 
પ્રભારી મંત્રી પૂર્ણેશભાઇ મોદીએ વધુમાં જિલ્લાની સૌથી જૂની અને એતિહાસિક લાછરસ ગામની આ પ્રાથમિક શાળામાં સ્વામિનારાયણ સંપ્રદાયના પ.પૂ.પ્રમુખ સ્વામી મહારાજે ધો-૪ માં અભ્યાસ કર્યો હતો, જે સમગ્ર વિશ્વ માટે આ શાળા ગૌરવરૂપ બની છે, ત્યારે આગામી દિવસોમાં પ.પૂ.પ્રમુખ સ્વામી મહારાજનું નામ આ શાળા સાથે જોડીને પ્રમુખસ્વામી મહારાજ લાછરસ પ્રાથમિક શાળા નામકરણ થાય તેવું મંત્રી પૂર્ણેશભાઇ મોદીએ સૂચન કરતાં ઉપસ્થિત અગ્રણીઓ અને ગામ આગેવાનોએ વધાવી લઇને આ દિશામાં કટિબધ્ધતા થવાની પ્રતિબધ્ધતા વ્યક્ત કરી હતી.
મંત્રી મોદીએ વધુમાં જણાવ્યું હતું કે, દરેક સમાજનો સર્વાંગી વિકાસ થાય તે રાષ્ટ્રહિત માટે ખૂબ જ જરૂરી છે. તેથી જ ગુજરાત સરકાર દ્વારા દરેક શાળામાં પ્રવેશોત્સવ થકી ધો-૧ માં પ્રવેશપાત્ર તમામ બાળકોને શાળા પ્રવેશ કરાવવામાં આવે છે, ત્યારે પ્રવેશ મેળવનાર પ્રત્યેક બાળક પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચત્તર માધ્યમિક શાળા અને કોલેજ કક્ષાએ અને ત્યાબાદ પણ પી.એચ.ડી સહિતનું ઉચ્ચ શિક્ષણ મેળવે અને તે શ્રેષ્ઠ કારકિર્દીના ઘડતર સાથે વિદ્યાર્થીના પરિવાર, ગામ, જિલ્લા રાજય અને રાષ્ટ્રના વિકાસમાં તેની સહભાગીદારી નોંધાય તેવા શાળાના શિક્ષકો અને વાલીઓને સહિયારા પ્રયાસો હાથ ધરવા પર ખાસ ભાર મૂક્યો હતો. મંત્રીએ પ્રાકૃતિક ખેતી અંગે શાળામાં પ્રારંભથી જ બાળકોમાં પર્યાવરણની જાગૃતિ માટેના પ્રયાસોની હિમાયત કરી હતી.
આ પ્રસંગે મંત્રી પૂર્ણેશભાઇ મોદી ઉપરાંત જિલ્લાના સહકારી આગેવાન ઘનશ્યામભાઇ પટેલ સહિતના ઉપસ્થિત મહાનુભાવોએ ધો-૧ માં પ્રવેશ મેળવનાર પ્રત્યેક બાળકો શૈક્ષણિક કિટ્સનું વિતરણ કરી તેમને પ્રોત્સાહિત કર્યા હતા. ત્યારબાદ ધો-૩ થી ૮ માં પરિણામમાં શ્રેષ્ઠ દેખાવ કરનાર શાળના તેજસ્વી તારલાઓને પ્રોત્સાહક ઇનામો એાનાયત કરાયાં હતાં.
આ પ્રસંગે નર્મદા સુગર ફેક્ટરીના ચેરમેન અને સહકારી આગેવાન ઘનશ્યમભાઇ પટેલે તેમના પ્રાસગિંક પ્રવચનમાં ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી અને દેશના હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના દેડીયાપાડા ખાતેના ત્રિ-દિવસીય શાળા પ્રવેશોત્સવને લીધે તેમની સમીપતાના મળેલા લ્હાવાના સંસ્મરણો વાગોયા હતા. 
પ્રારંભમાં આચાર્ય મયંક ભટ્ટે તેમના સ્વાગત પ્રવચનમાં સૌને આવકાર્યા હતાં અને અંતમાં શાળા પરિવાર તરફથી  આભારદર્શન કરાયું  હતું

   

(10:23 pm IST)