ગુજરાત
News of Thursday, 23rd September 2021

અમદાવાદના મણીનગર રેલ્‍વે સ્‍ટેશન ઉપર રૂ.10માં કચોરી વેંચતા 14 વર્ષનો કિશોર સોશ્‍યલ મીડિયામાં છવાયોઃ મદદ માટે અપીલ કરાઇ

પરિવારને મદદ કરવાની ભાવનાથી માતા સાથે મદદમાં

અમદાવાદ: દિલ્હીના બાબા કા ધાબાના કાકા તો તમને યાદ જ હશે. સોશિયલ મીડિયા પર તેમની મદદની એક પોસ્ટ મૂકાઈ અને તેમને મદદ કરવા માટે દેશભરમાંથી લોકો હાથ લંબાવ્યા હતા. બાબા કા ધાબાને એટલી મદદ આવી કે, કોરોનાકાળમાં નિરાધાર બનેલ દંપતીનુ ઘર રમતુ થયું. ત્યારે હાલ સોશિયલ મીડિયા પર ફરી એકવાર અમદાવાદના એક નાનકડા છોકરાની મદદ માટેની અપીલ ઉઠી છે. અમદાવાદના મણિનગર રેલવે સ્ટેશન પર 14 વર્ષનો સગીર પરિવારને મદદ કરવા ફક્ત માત્ર 10 રૂપિયાની કિંમત પર દહીં કચોરી વેચી રહ્યો છે. લોકોને મદદ કરવા માટે હાલ સોશિયલ મીડિયા પર અપીલ કરી રહ્યાં છે.

જીવન જીવવા અને ઘર ચલાવા માટે જાત મહેનત જ કરવી પડે છે. સમય ખરાબ ચાલતો હોય અને રૂપિયાની તંગી હોય તો તેની સામે કામ કરવામાં ઉંમર બાધ આડે આવતી નથી. નાનપણમાં આવેલી જવાબદારી બાળકોને સમજદાર જરૂર બનાવી દે. ત્યારે આવો જ એક વીડિયો સામે આવ્યો છે, જેમાં એક છોકરો પરિવારને મદદ કરવા માટે પોતાની માતા શ્વેતાબેનને મદદ કરી રહ્યો છે. આ વીડિયો અમદાવાદના મણિનગરના રેલવે ક્રોસિંગનો છે. જ્યાં આ કિશોર પોતાની માતા સાથે દહી કચોરી વેચી રહ્યો છે. પરિવારની મદદ કરવા 14 વર્ષનો છોકરો માત્ર 10 રૂ. માં કચોરી વેચી રહ્યો છે!

અમદાવાદના મણિનગર રેલવે સ્ટેશન પાસે કચોરી વેચતા કિશોરનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ છોકરાએ સોશિયલ મીડિયા પર લોકોનું દિલ જીતી લીધું છે. લોકો આ છોકરાની મદદ કરવા અપીલક કરી રહ્યાં છે.

(4:19 pm IST)