ગુજરાત
News of Friday, 23rd September 2022

ભાજપના સાંસદ મનસુખભાઇ વસાવાનાં BTP પર ચાબખા : ટ્વીટ કર્યું કે "તમે રાજકીય ખીચડી પકાવવા નિકળ્યા છો"

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : ભાજપના સાંસદ મનસુખભાઈ  વસાવાએ ટ્વીટ કરીને આદિવાસી નેતા ગણાતા બીટીપીના સુપ્રિમો અને તેમના પુત્રને સંબોધીને ચાબખા મારતું ટ્વીટ કરી લખ્યું કે નર્મદા જિલ્લાના યાહા મોગી સર્કલ તોડીને ભગવાન બીરસા મુંડાની પ્રતિમાં બનાવવામાં અડચણો ઉભા થતા નેશનલ હાઇવે ઓથોરીટીએ પણ વાંધો લીધો હતો. અનેક અવરોધો ઉભા હતા ત્યારે આ પ્રતિમાં સ્થાપિત થાય તેવી પરીસ્થિતી ન હતી. પરંતુ બધા અવરોધો રાજ્ય સરકાર અને સરકારના જવાબદાર તંત્રના લોકો સાથે પરામર્શ કરીને અવરોધો દુર કર્યા છે અને પ્રતિમા પ્રસ્થાપિત કરવા માટે સેલંબાના આયોજકોએ ભગવાન બીરસા મુંડાની પ્રતિમા સ્થાપિત કરીને બધાને વિશ્વાસમાં લીધા હતા તે રીતે દેડીયાપાડાના આયોજકોએ કોઇને વિશ્વાસમાં લીધા નથી. મને પણ છેલ્લા દિવસે આયોજકો દ્વારા આમંત્રણ આપવા આવ્યું અને તે પણ જે અવરોધો છે તેમાં સહકાર માંગવા માટે આવ્યા. મેં પુરો સહકાર આપ્યો છે પરંતુ રાજ્ય સરકારના એક વર્ષ પુર્ણ થવાનો કાર્યક્રમ હતો તે કાર્યક્રમમાં મારે ઉપસ્થિત રહેવું જરૂરી હતુ , આદિવાસીના હક અને અધિકાર માટે હું સતત અવાજ ઉઠાવતો આવ્યો છું ત્યારે કોઇ રાજકીય આદિવાસી નેતાએ મને સહકાર આપ્યો નથી તે વાતને માનનીય છોટુભાઇ વસાવા, મહેશભાઇ વસાવા કેમ ભુલી જાય છે? આજે પણ આદિવાસીઓના અધિકાર, રીઝર્વેશનના લાભો ખોટા જાતિ અંગેના પ્રમાણપત્રો વાળાઓ ઉઠાવી જાય છે તે મુદ્દાએ બધા ભેગા થવાની વાત કરો. ચુંટણી નજીક આવી અને લોકોમાંથી તમે સાવ ફેકાઇ ગયા છો, તાલુકા પંચાયત જિલ્લા પંચાયતમાં લોકોએ તમને જાકારો આપ્યો છે ત્યારે આદિવાસીઓને ગુમરાહ કરી એક કરવાની વાતો કરો છો. જ્યારે બધાએ ભેગા થવાનો સમય હતો ત્યારે કોઈ ભેગા થયેલ નથી. હું ભગવાન બીરસા મુંડાની પ્રતિમાં સ્થાપિત કરી એમાં સંપુર્ણ રીતે ખુશ છું. પણ પ્રતિમાં સ્થાપિત કરવાથી આદિવાસીઓના હક અને અધિકાર નથી મળી જતા. હક્ક અને અધિકાર માટે ડો. બાબા સાહેબ આંબેડકરે કહ્યુ છે તેમ “શિક્ષિત બનો અને સંગઠિત થઇ સંઘર્ષ કરો” તે પ્રકારે આદિવાસીઓના હક્ક અધિકાર માટે બધાએ અવાજ ઉઠાવવો પડશે. તમે તો રાજકીય ખીચડી પકાવવા નીકળ્યા છો. ભારતીય જનતા પાર્ટી હંમેશા આદિવાસીઓના હક્ક-અધિકાર અપાવે છે. તે સમગ્ર દેશ અને ગુજરાત જાણે છે.

(10:36 pm IST)