ગુજરાત
News of Friday, 23rd September 2022

શામળાજીમાં પ્લાસ્ટીક, ગુટકા, તમાકુ, પાન-મસાલાના વેચાણ અને પરીસરમાં લઈને આવવા પર પ્રતિબંધ

શામળાજી મંદિરની પવિત્રતા જાળવવા માટે મંદિર વિસ્તારમાં ગુટખા અને પાન મસાલાના ઉપયોગ પર નિયંત્રણ : જિલ્લા ક્લેકટરે જાહેરનામુ બહાર પાડીને પ્રતિબંધ મુક્યો

અરવલ્લી જિલ્લામાં આવેલ પ્રસિદ્ધ શામળાજી મંદિરે શ્રદ્ધાળુઓનો ધસારો મોટા પ્રમાણમાં રહે છે. પૂર્ણિમા અને જન્માષ્ટમી જેવા તહેવારોએ શામળાજીમાં ખૂબ જ ભીડ ઉભરાતી હોય છે. ગુજરાત અને રાજસ્થાનથી અહી નિયમીત શ્રદ્ધાળુઓ દર્શને આવતા હોય છે. શામળાજી વિષ્ણું મંદિરમાં  ભગવાનના દર્શન કરીને ભક્તો ધન્યતાની લાગણી અનુભવતા હોય છે. ભગવાન વિષ્ણું એટલે કે કાળીયા ઠાકરના દર્શન કરવા આવનાર ભક્તો શામળાજીને સ્વચ્છ હોવાની અપેક્ષા રાખતા હોય છે. જે પ્રમાણે શામળાજી મંદિર પરિસર વિસ્તાર અને આસપાસના 100 મીટર વિસ્તારમાં સિંગલ યુઝ પ્લાસ્ટીક અને ગુટખા તમાકુનુ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. 

જિલ્લા કલેકટર દ્વારા આ અંગે જાહેરનામુ બહાર પાડવામાં આવ્યુ છે. જે મુજબ હવે શામળાજીમાં મંદિર પરિસર વિસ્તાર અને તેની આસપાસના વિસ્તારમાં હવે ગુટખા અને પાન-મસાલાનુ વેચાણ પણ થઈ શકશે નહીં. આ ઉપરાંત સિંગલ યુઝ પ્લાસ્ટીક બેગના ઉપયોગ પર પણ પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.

જેને લઈ શામળાજી વિષ્ણું મંદીરના ટ્રસ્ટી સિદ્ધાર્થ પટેલે જણાવ્યુ હતુ કે, મંદિર પરીસરમાં સ્વચ્છતા રહે તે જરુરી છે. પવિત્ર મંદિર પરીસરમાં સ્વચ્છતા જળવાય એ માટે ટ્રસ્ટ અને રાજ્ય સરકાર દ્વારા સતત પ્રયાસ કરવામાં આવે છે. જાહેરનામા બાદ હવે મંદિર પરીસરમાં ગુટખા અને તમાકુ અને પાન-મસાલા લઈ આવતા અટકાવવા માટે યોગ્ય વ્યવસ્થા ઉભી કરવામાં આવશે. જેથી મંદીરની પવિત્રતતા જાળવી શકાય.

તાજેતરમાં ભાદરવી પૂર્ણીમાંએ મોટી સંખ્યામાં ભક્તોની ભીડ ઉમટી હતી. તેમજ દિવાળીના તહેવારો આવી રહ્યા છે. નવાવર્ષના દિવસે તેમજ કાર્તિકી અગિયારસ અને કાર્તિકી પૂર્ણિમાના મેળાનુ વિશેષ મહત્વ હોય છે. જેને લઈ એ દિવસોમાં ભક્તોની ભીડ મોટા પ્રમાણમાં ઉમટતી હોય છે. આમ મંદિર પરીસર અને આસપાસના વિસ્તારમાં ગંદકી ના થાય અને પાન મસાલા અને ગુટખાનુ સેવન કરી પરીસર વિસ્તારમાં થૂંકીને ગંદકી ફેલાવતા અટકાવવા માટે જાહેરનામુ બહાર પાડવામાં આવ્યુ છે.

(10:05 pm IST)