ગુજરાત
News of Friday, 23rd September 2022

નર્મદા જિલ્લામાં ખાદ્યપદાર્થોના નમૂના લેવાની જરૂર :ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ તહેવારો પૂર્વે સેમ્પલ લે તેવી માંગ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાનું વડુ મથક રાજપીપળા છે. અહીંયા રાજપીપળા ખાતે ફુડ એન્ડ ડ્રગ્સ નામનો કોઈ વિભાગ નથી. તેના કારણે ખાદ્યપદાર્થોના નમૂના લેવામાં આવતા નથી.રાજપીપળા ખાતે ઠેર ઠેર ફરસાણની હાટડીઓ લાગી ગઈ છે.જેમાં ઘણીખરી ફરસાણની દુકાનમાં ફરસાણ નિમ્ન કક્ષાનું હોય છે. ભેળસેળ વાળું હોય છે. મિઠાઈઓ ભેળસેળ યુક્ત નકલી વેચાય છે. લોકો બિમાર થાય એવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. ફરસાણ ગુણવત્તા વિનાના તેલમાં તળીને વેચાય છે. લોકોના આરોગ્ય સાથે ચેડાં થઇ રહ્યા છે. દૂધ પણ પાણીથી મિશ્રણ કરેલું વેચાય છે. પાણી વાળું દૂધ પીને બાળકો બિમાર પડે છે. ગામડાંઓમાંથી દૂધ વેચતા લોકો પૈકી અમુક લોકો પાણીવાળુ વેચે છે. તેને આરોગ્ય વિભાગ દ્વારા અથવા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા કડક કાર્યવાહી થાય એ જરૂરી છે.વર્ષો થી આવો અંધેર વહીવટ ચાલે છે. તેમ છતાં વહીવટ તંત્ર દ્વારા આરોગ્ય વિભાગ દ્વારા ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા કોઈ નમૂના લઇને કોઇ કાર્યવાહી કરવામાં આવતી નથી. સમગ્ર નર્મદા જિલ્લામાં આવું અંધેર ચાલે છે. રાજપીપળા સહિત કેવડિયા,તિલકવાડા, દેવલિયા, કેવડિયા કોલોની, દેડિયાપાડા,સાગબારા, સેલંબા વિસ્તારમાં વિવિધ હોટલમાં આ ધંધો ફુલ્યો ફાલ્યો છે. આરોગ્ય વિભાગ અને ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા ચકાસણી કરવાની લોક માંગ ઉઠી છે.

(10:17 pm IST)