ગુજરાત
News of Friday, 23rd September 2022

સુરતના કતારગામના વેડ રોડમાં બેચરાજી માતાજીના મંદિરના પૂજારીએ આપઘાત કર્યો

ચોરી કે, લૂંટ કરવાના ઇરાદેથી મહંતની હત્યા પણ કરી હોઈ શકે: ભક્તોએ વ્યક્ત કરી આશંકા

સુરતના કતારગામના વેડ રોડમાં બેચરાજી માતાજીના મંદિરના પૂજારીએ આપઘાત કર્યો હતો. ગળેફાંસો ખાઈને મહંતે આપઘાત કર્યો હતો. તો બીજી તરફ મંદિરના ભક્તો દ્વારા કહેવામાં આવ્યું હતું કે, પૂજારી દ્વારા જાતે આ પગલું ભરવામાં આવ્યું હોય તેવું અમને માન્ય લાગતું નથી.

   સુરતના કતારગામ વિસ્તારમાં વેડ રોડ પર બેચરાજી માતાનું મંદિર આવેલું છે અને આ મંદિરમાં 25 વર્ષથી માતાજીની સેવા પૂજા કરતા મહંત શંભુનાથે ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. આ માહિતી મંદિરના ભક્તો તેમજ મંદિરની આસપાસ રહેતા લોકોને થતા તેઓ તાત્કાલિક મંદિરે દોડી આવ્યા હતા અને મંદિરના મહંતે આપઘાત કરતા ભાવિકોમાં દુઃખની લાગણી પ્રસરી હતી.

  મહંતે નવરાત્રી અગાઉ જ માતાજીના મંદિરના પરિસરમાં આવઘાત કર્યો હોવાને લઈ ચકચાર મચી જવા પામી છે. બીજી તરફ આ ઘટનાની જાણ ચોક બજાર પોલીસને થતા ચોક બજાર પોલીસ સ્ટેશનના પોલીસકર્મીઓ ઘટના સ્થળ પર પહોંચ્યા હતા. પોલીસે મહંતના મૃતદેહને પોસ્ટમોર્ટમ ખસેડી સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે.

  

બીજી તરફ મંદિરના ભક્તોનું કહેવું છે કે, મહારાજ પ્રણામી ધર્મના સ્નાતક હતા અને 25 વર્ષથી તેઓ સેવા પૂજા કરતા હતા અને આ વાત સાંભળીને ખૂબ જ અજુગતું લાગી રહ્યું છે કયા કારણોસર આપઘાત કર્યો છે તેની પાછળનું કારણ હજુ ખ્યાલ નથી. એવી પણ માહિતી સામે આવી રહી છે કે મહંત શંભુનાથ મૂળ નેપાળના વતની હતા અને સ્વભાવથી ખૂબ જ ખુશ હતા ભાવિકો દ્વારા એવું પણ જણાવવામાં આવ્યું છે કે તેમને જાતે આ પગલું ભર્યું હોય તેવું અમને માન્ય નથી.

અન્ય એક ભાવિક દ્વારા કહેવામાં આવ્યું હતું કે, મહંતનો મૃતદેહ શંકાસ્પદ હાલતમાં મળી આવ્યો હતો. કારણ કે તેમને હીચકા સાથે ગળેફાંસો ખાધો હોય તે હાલતમાં તેમનો મૃતદેહ મળી આવ્યો હતો. આ ઉપરાંત મંદિરના ઉપરના ભાગમાં પ્રવેશવાની એક જગ્યાના તમામ બારી દરવાજાઓ ખુલ્લી હાલતમાં હતા એટલે આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે કદાચ ચોરી કે, લૂંટ કરવાના ઇરાદે થી મહંત ની હત્યા પણ કરી હોઈ શકે છે પરંતુ આ તપાસનો વિષય છે પોસ્ટમોર્ટમબાડ તમામ હકીકત સામે આવશે.

(7:20 pm IST)