ગુજરાત
News of Friday, 23rd September 2022

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને શ્રી શ્રી રવિશંકરે‘હસ્તે મિશન ગ્રીન અર્થ–ગ્રીન ગુજરાત અભિયાન’નો પ્રારંભ

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને શ્રી શ્રી રવિશંકર મહારાજ દ્વારા વૃક્ષારોપણ કરીને અભિયાનની શરુઆત

અમદાવાદ :રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે આણંદ જિલ્લામાં મહીસાગર નદી કિનારે આવેલા આંકલાવડી સ્થિત આર્ટ ઓફ લિવિંગ આશ્રમની મુલાકાત લીધી હતી. શ્રી શ્રી રવિશંકર અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર ભાઈ પટેલની હાજરીમાં આર્ટ ઓફ લિવિંગ દ્વારા મિશન ગ્રીન અર્થ-ગુજરાત પ્રોજેક્ટનો ઉદ્ઘાટન કાર્યક્રમ યોજાયો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને શ્રી શ્રી રવિશંકર મહારાજ દ્વારા વૃક્ષારોપણ કરીને આ અભિયાનની શરુઆત કરવામાં આવી હતી

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ  પટેલે આણંદ જિલ્લામાં આંકલાવાડી ખાતે આવેલા શ્રી શ્રી રવિશંકર મહારાજના આશ્રમની સૌજન્ય મુલાકાત લીધી હતી. મુખ્યમંત્રીનું વૈદિક મંત્રોચ્ચારની દિવ્ય ધ્વનિથી સ્વાગત કરવામાં આવ્યું હતુ. આશ્રમની સૌજન્ય મુલાકાત લઈને તેમણે સંસ્થાના પટાંગણમાં વૃક્ષારોપણ થકી સંસ્થા દ્વારા હાથ ધરવામાં આવેલા મિશન ગ્રીન અર્થ–ગ્રીન ગુજરાત અભિયાનનો શુભારંભ કરાવ્યો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ  પટેલ અને શ્રી શ્રી રવિશંકર મહારાજે આંકલાવડી આશ્રમમાં બીલીપત્ર, શ્યામ તુલસી, પીપળો, શિર ચંપો, લીંબુ, મીઠો લીમડો અને એલોવેરાના વૃક્ષારોપણ થકી ગ્રીન ગુજરાતની મુહિમનો શુભારંભ કરાવવામાં આવ્યો હતો.

આ પ્રસંગે મુખ્યમંત્રીએ જણાવ્યું હતુ કે, સરકારનું કામ છે, પ્રજાજનોની સેવા માટે પ્રત્યેક મિનિટનો સદુપયોગ થાય તેના માટે સતત પ્રયત્નશીલ રહેવું જોઇએ. સરકારના આવા પ્રયાસોમાં, ગુજરાત હરીયાળું બને તે માટેના કાર્યોમાં જયારે આર્ટ ઓફ લીવીંગ જેવી સંસ્થાઓ “આપણું ગુજરાત, હરિયાળું ગુજરાત” ના શુભ સંકલ્પ સાથે જોડાય છે, ત્યારે તે કાર્યમાં દિવ્ય ઊર્જાનો સંચાર થતો હોય છે.

મુખ્યમંત્રીએ આ પ્રસંગે શ્રી શ્રી રવિશંકર મહારાજના આશીર્વાદ સાથે લોકોની વધુ સારી સેવા કરવા માટેની પ્રતિબધ્ધતા પણ વ્યક્ત કરી હતી. તો શ્રી શ્રી રવિશંકર મહારાજે પણ મુખ્યમંત્રીને આવકારતા જણાવ્યું હતુ કે, ગુજરાતની પ્રગતિ–સમૃધ્ધિ માટે ખુબ ટુંકા સમયમાં ઘણું સારૂં કાર્ય થયું છે. તેમણે ગુજરાત ગ્રીન બને તે માટે સંસ્થા દ્વારા હાથ ધરવામાં આવેલા ‘‘આપણું ગુજરાત, હરિયાળું ગુજરાત’’ની મુહિમમાં સહભાગી બનવા બદલ સરકાર પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી હતી

(7:29 pm IST)