ગુજરાત
News of Monday, 23rd November 2020

નવી મુસીબત ઉભી થઇ

અમદાવાદમાં કોરોનાએ પેટર્ન બદલીઃ હવે આખેઆખુ ફેમિલી બની રહ્યું છે શિકાર

અમદાવાદ, તા.૨૩: છેલ્લા આઠ મહિનાથી કોરોનાનો કહેર છે પરંતુ કોઈ એક વ્યકિત સંક્રમિત થાય તો પરિવારના અન્ય સભ્યોને ચેપ લાગવાનું પ્રમાણ ઓછું હતું. જો કે, હાલ અમદાવાદમાં દિવાળીના તહેવારોમાં શરૂ થયેલા કોરોનાના નવા રાઉન્ડમાં આખા પરિવારો કોરોનાની લપેટમાં આવતા હોવાના કેસો વધી રહ્યા છે. કેટલાક કેસમાં તો તાવ કે શરદી-ઉધરસ જેવા લક્ષણો પણ જોવા નથી મળતા.

અમદાવાદમાં ફરીથી કોરોનાના કેસો ખૂબ વધી રહ્યા છે. તેમાં પણ ચિંતા કરાવતી બાબત એ છે કે પરિવારનો એક સભ્ય સંક્રમિત થાય તો બાકીના સભ્યોને પણ ચેપ લાગ્યો હોવાના કિસ્સા તબીબો પાસે આવી રહ્યા છે. ૧૦૪ હેલ્પલાઈનને પણ એક જ દ્યરની મુલાકાત વારંવાર લેવી પડે છે કારણકે એક પછી એક કુટુંબના સભ્યો સંક્રમિત થઈ રહ્યા છે. જેથી તેઓને ટેસ્ટિંગ માટે વારંવાર જવું પડ્યું હોવાનું નોંધાયું છે.

૧૦૪ સેવાના એક ડાકટરના કહેવા પ્રમાણે, પરિવારના કોઈ સભ્યને કોરોનાને લગતા કે અન્ય કોઈ અસામાન્ય લક્ષણ જણાત તો જાતે દવા લીધા વિના કે તાવની ભારે પાવરની દવા લીધા વિના શકય તેટલી ઝડપથી કોવિડ ટેસ્ટ કરાવી લેવો જોઈએ. જો ટેસ્ટિંગ ડોમમાં ના જઈ શકાય તો ૧૦૪ની ટીમ ઘરે આવીને ટેસ્ટ કરે છે. દરમિયાન લક્ષણો દેખાતા હોય તે વ્યકિતએ કવોરન્ટીન થઈ જવું જોઈએ જેથી પરિવારના અન્ય સભ્યોમાં સંક્રમણ થતું રોકી શકાય. સહેજ પણ ગાફેલ રહેશો તો બાળકો અને વૃદ્ઘોને જલદી ઈન્ફેકશન લાગવાનો ભય રહે છે. એટલું જ નહીં કોરોનાની ગાઈડલાન મુજબ દવા ના લેવામાં આવે તો હોસ્પિટલમાં દાખલ થવાની કે વધુ સારવાની જરૂર પડી શકે છે.

પરિવારના એક સભ્યને કોરોના થાય પછી અન્યો પણ સંક્રમિત થવાના કિસ્સામાં અનેક ગણો વધારો થયો છે. ત્યારે એકબીજાના સ્વાસ્થ્યની ચિંતા કરીને તેઓ ગભરાઈ રહ્યા છે. તબીબી વર્તુળોના કહેવા મુજબ, કેટલાક એવા કેસ પણ નોંધાઈ રહ્યા છે જેમાં તાવ-શરદી કે ઉધરસ જેવા કોરોનાના સામાન્ય લક્ષણ ના હોય તેઓ પણ પોઝિટિવ આવી રહ્યા છે. આવા કેસો અગાઉ પણ આવતા હતા પરંતુ હાલના સમયમાં વધારો નોંધાયો છે. ખાવાનો સ્વાદ જતો રહેવો, સુગંધ ના આવવી જેવા લક્ષણોના કેસ વધ્યા છે. ૧૦-૧૪ વર્ષ સુધીના બાળકોમાં પણ આ લક્ષણો દેખાય છે અને તેઓ પોઝિટિવ આવી રહ્યા છે.

(9:56 am IST)