ગુજરાત
News of Monday, 23rd November 2020

વડોદરા જિલ્લાના મુજાર ગામડી ગામની સીમમાં જમીનના મુદ્દે થયેલ ઝઘડામાં આંઠ શખ્સો ગંભીર રીતે ઈજાગ્રસ્ત

વડોદરા: જિલ્લાના મુજાર ગામડી ખાતે પટેલ ફળિયામાં રહેતા ભાવેશભાઈ પટેલ ખેતી વ્યવસાય સાથે સંકળાયેલા છે. મુજાર ગામડી ગામની સીમમાં સર્વે નંબર 104 અને 108 વાળી વડીલોપાર્જીત જમીન આવેલી છે. રવિવારે તેઓ ભાઈ હેમંત તથા કાકાનો દીકરો મયુર, મયંક અને જયેશ સાથે ખેતરમાં પાણી નાખવા માટે ગયા હતા.

દરમિયાન ગામમાં રહેતા વિનય ભાઈ પટેલ તથા અન્ય એક વ્યક્તિ મોઢા ઉપર કાળો પટ્ટો બાંધી ટેકટર સવાર તેમજ અન્ય બીજા ચાર જેટલા શખ્સો મોટરસાયકલ પર ઘસી આવ્યા હતા અને " જમીન અમારી છે તમે કેમ ખેતરમાં આવ્યા છો" તેમ કહી લાકડી અને ધારિયાથી હુમલો કર્યા બાદ હુમલાખોરો નાસી છૂટ્યા હતા. હુમલામાં જીવલેણ ઇજાઓ થતાં મયુરભાઇ પટેલ, મયંક ભાઈ પટેલ, હેમંતભાઈ અને જયેશભાઈ ને ગંભીર ઇજાઓ થતાં તેઓને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ફરિયાદના આધારે વરણામા પોલીસે વિનય ભાઈ જશુભાઇ પટેલ, વિજયભાઈ જશુભાઇ પટેલ (બને રહે - મુજાર ગામડી, વડોદરા), રસિકભાઈ પનનુભાઈ પટેલ (રહે - અણખી ગામ, વડોદરા) તેમજ અન્ય પાંચ શખ્સો વિરુદ્ધ હત્યાની કોશિશ, મારામારી, ધાક- ધમકી સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તેઓની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા હતા.

(4:59 pm IST)