ગુજરાત
News of Monday, 23rd November 2020

અમદાવાદનાં ઇસ્કોન પ્લેટિનમ એપાર્ટમેન્ટમાં એક સાથે ૭૮ કોરોના પોઝીટીવ કેસઃ હવે પરિવારનાં એક - કે બે સભ્ય નહી પરંતુ આખા પરિવારના રિપોર્ટ પોઝીટીવ આવતા ભારે ચિંતા

અમદાવાદ: અમદાવાદના બોપલ વિસ્તારમાં આવેલી સફર પરિસર સોસાયટીમાં કોરોના વિસ્ફોટ બાદ હવે ઇસ્કોન પ્લેટિનમ એપાર્ટમેન્ટમાં કોરોનાનો 78 પોઝિટિવ કેસ સામે આવતા હાહાકાર મચી ગયો છે. જો કે, એક જ સોસાયટીમાં 78 કોરોના પોઝિટિવ કેસ આવતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સોસાયટીના 304 મકાનના કુલ 1150 લોકોને માઇક્રો કન્ટેઇનમેન્ટ ઝોનમાં મુક્યા છે.

અમદાવાદમાં દિવસેને દિવસે કોરોનાનું સંક્રણમ વધી રહ્યું છે. શહેરમાં કોરોનાની શરૂઆત પૂર્વ અમદાવાદથી થઈ હતી ત્યારે આજે પશ્ચિમ અમદાવાદમાં મહત્તમ કેસો સામે આવી રહ્યાં છે. ઉત્તર પશ્ચિમ ઝોનમાં આવેલી ઇસ્કોન પ્લેટિનમ સોસાયટીના 304 મકાનો એટલે કે 1150 લોકોને માઇક્રો કન્ટેઇનમેન્ટ ઝોનમાં મુકવામાં આવ્યા છે. ઇસ્કોન પ્લેટીનામાં A બ્લોકથી લઇને S બ્લોક સુધીના એપાર્ટમેન્ટ આવેલા છે.

ત્યારે આ સોસાયટીમાં માત્ર L બ્લોક જ એક એવો બ્લોક છે જેમાં કોઈ કોરોના કેસ નોંધાયો નથી બાકીના તમામ ફ્લેટમાં નાના અથવા મોટા કેસ નોંધાયા છે. જેના કારણે આ વિસ્તારને કન્ટેઇનમેન્ટ ઝોન જાહેર કરાવમાં આવ્યો છે. જો કે, આ એપાર્ટમેન્ટમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કોરોના ટેસ્ટિંગ શરૂ કરવામાં આવ્યું છે અને ટેસ્ટિંગ દરમિયાન પણ કેટલાક પોઝિટિવ કેસ સામે આવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, અમદાવાદના સાઉથ બોપલ વિસ્તારમાં આવેલી સફર પરિસર સોસાયટીમાં કુલ 80 કોરોના પોઝિટિવ એકસાથે આવતા હાહાકાર મચી ગયો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમ દ્વારા સફર પરીસરના બંન્ને બિલ્ડિંગ સિલ કરવામાં આવ્યા છે. બંન્ને બિલ્ડિંગને કન્ટેઇનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે. બીજી સૌથી ચિંતાજનક બાબત છે કે, હવે પરિવારમાંથી એક કેસ નહી પરંતુ આખા આખા પરિવાર પોઝિટિવ આવે છે.

કોરોનાનું આ લક્ષણ ખુબ જ ચિંતાજનક છે. આ સેકન્ટ વેવની નિશાની છે. AMC દ્વારા 108 સેવાને સુચના આપવામાં આવી છે કે, એક જ પરિવારના લોકો દર્દી બને ત્યારે તમામને એક જ હોસ્પિટલમાં ખસેડવામાં આવે તેની ખાસ તકેદારી રાખવામાં આવે. તેમ છતા કોઇ પણ વ્યક્તિગત્ત કિસ્સાઓ પ્રકાશમાં આવે તો તેનું ધ્યાન દોરવા માટે અપીલ કરવામાં આવી છે.

(5:41 pm IST)