ગુજરાત
News of Monday, 23rd November 2020

ICMRની ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન કરવાની માંગ સાથે ગુજરાત હાઈકોર્ટમાં અરજી: 27મીએ વધુ સુનવણી

ICMRના પરિપત્ર પ્રમાણે કોરોના સિમટોમેટિક દર્દી કે જેમનો રેપીડ એન્ટીજન ટેસ્ટ નેગેટિવ આવે તેમના RT-PCR ટેસ્ટ કરવામાં આવે: રાજ્ય સરકાર માત્ર આંકડા આપે છે ,દરરોજ RAT અને RT-PCR ટેસ્ટ કેટલા કરાયા તેની માહિતી આપતી નથી

અમદાવાદ : કોરોનાની ટેસ્ટિંગ માટે રેપીડ એન્ટીજન ટેસ્ટ (RAT)ની નિશ્ચિતા RT-PCR ટેસ્ટની સરખામણી ઓછી હોવાથી સિમટોમેટિક દર્દી કે જેનો RAT રિપોર્ટ નેગેટિવ આવ્યો હોય તેમના માટે RT-PCR ટેસ્ટ કરવાની ICMRની ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન કરવાની માંગ સાથે ગુજરાત હાઈકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે. આ મામલે વધુ સુનાવણી 27મી નવેમ્બરના રોજ હાથ ધરવામાં આવશે.

  ગુજરાત હાઈકોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજીમાં રજુઆત કરવામાં આવી છે કે વિશ્વસ્તર પર કોરોનાની ટેસ્ટિંગ માટે RT-PCRને વધુ એક્યુરેટ માનવામાં આવે છે. ICMRના પરિપત્ર પ્રમાણે કોરોના સિમટોમેટિક દર્દી કે જેમનો રેપીડ એન્ટીજન ટેસ્ટ નેગેટિવ આવે તેમના RT-PCR ટેસ્ટ કરવામાં આવે. રાજ્ય સરકાર માત્ર કુલ ટેસ્ટના આંકડા જાહેર કરે છે અને દરરોજ RAT અને RT-PCR ટેસ્ટ કેટલા કરવામાં આવે છે તેની કોઈ માહિતી આપવામાં આવતી નથી, જેથી હાઈકોર્ટ રાજ્ય સરકારને નિર્દેશ આપે કે સરકાર ટેસ્ટની કેટેગરી પ્રમાણેની માહિતી રજૂ કરે

અરજદાર તરફે આક્ષેપ કરવામાં આવ્યો છે કે જે દર્દી સિમ્પટોમેટિક અથવા શંકાસ્પદ વ્યક્તિ કે જેનો રેપીડ એન્ટિજન ટેસ્ટ નેગેટિવ અને તેનું RT-PCR ટેસ્ટ ન કરવામાં આવે તો મોટી સંખ્યામાં લોકોને ચેપ લગાડી શકે છે.

અરજદારનો આક્ષેપ છે કે જ્યાં દરરોજ 5 થી 7 હજાર કોરોના ટેસ્ટિંગ થતા હતા રેપીડ એન્ટીજન ટેસ્ટની એન્ટ્રી બાદ ટેસ્ટિંગમાં ધરખમ વધારો જોવા મળ્યો છે અને એક દિવસમાં 75 હજાર જેટલા ટેસ્ટ પણ કરવામાં આવ્યા છે. મોટાભાગની ટેસ્ટિંગ અમદાવાદમાં જ થઈ હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

WHOની રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે રેપીડ એન્ટીજન ટેસ્ટની ઓછી એક્યુરસીને લીધે મહામારીમાં પડકારરૂપ સ્થિતિનો સામનો કરવો પડી શકે તેવી રજુઆત કરવામાં આવી છે. દિલ્હી હાઈકોર્ટ સરકારને RT-PCR ટેસ્ટને વધુ મહત્વ આપવાની ભલામણ કરી હતી

(9:12 pm IST)