ગુજરાત
News of Tuesday, 23rd November 2021

લાજપોરથી સુરતને જોડતી સીટીબસ તથા બંદિવાનોના સ્વાસ્થ્ય માટે આધુનિક સુવિધાસભર એમ્બ્યુલન્સને પ્રસ્થાન

ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવી તથા કૃષિ રાજયમંત્રી મુકેશ પટેલે લાજપોર મધ્યસ્થ જેલ ખાતેથી લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું

સુરત જિલ્લા આયોજન મંડળના અનુદાનમાંથી રૂ.15 લાખના ખર્ચે લાજપોર મધ્યસ્થ જેલના બંદિવાનો માટે આધુનિક સુવિધાસભર એમ્બ્યુલન્સ વાન તથા સુરત મહાનગરપાલિકા દ્વારા લાજપોરથી સુરત શહેરને જોડતી સીટીબસ સેવાનું ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવી તથા કૃષિ રાજયમંત્રી મુકેશ પટેલે લાજપોર મધ્યસ્થ જેલ ખાતેથી લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું.

આ પ્રસંગે ગૃહમંત્રીએ જણાવ્યું હતું કે, લાજપોર મધ્યસ્થ જેલ ખાતે બંદિવાનોને તેમના હુન્નર મુજબ યોગ્ય તાલીમ મળી રહે તે માટે હીરા ઉદ્યોગ, સાડીમાં સ્ટોનનું વર્ક, વોકેશનલ ટ્રેનિગ, બેકરી જેવી ગૃહઉદ્યોગને લગતી પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે. જેના કારણે તેમના કૌશલ્યથકી જેલની બહાર નીકળ્યા બાદ સમાજમાં સ્વમાનભેર જીવન વ્યતિત કરી શકશે.

તેમણે વધુમાં કહ્યું કે, બસ સેવા શરૂ થવાથી બંદિવાનોના પરિવારજનો માટે લાજપોર જેલથી શહેરમાં આવવા-જવાની સુવિધા સાથે સમય અને નાણાની બચત થશે. સાથે નવી એમ્બ્યુલન્સ વાન મળવાથી કેદીઓને બિમારીના સમયે ઝડપથી સારવારની સુવિધા પ્રાપ્ત થશે. આગામી સમયમાં લાજપોર જેલ ખાતે કેદીઓના પરિવારજનોને બેસવા માટેની સુવિધા પણ ઉભી કરવાનું આયોજન હોવાનું મંત્રીશ્રીએ કહ્યું હતું.

આ પ્રસંગે કૃષિમંત્રીએ જણાવ્યું હતું કે, લાજપોર જેલમાં અનેક કેદીઓએ ધો.10 અને ધો.12ની પરીક્ષાઓ પાસ કરી છે. શિક્ષણ મેળવીને તેઓ સમાજમાં માનભેર જીવન જીવી શકે તે માટે જેલમાં કરવામાં આવતી અનેકવિધ પ્રવૃત્તિઓની વિગતો તેમણે આપી હતી.

(9:37 pm IST)