ગુજરાત
News of Tuesday, 23rd November 2021

ગ્રામ પંચાયતોની ચૂંટણી જાહેર થતા પંચાયતોમાં ભરતી પ્રક્રિયાને બ્રેક

કલાર્ક, તલાટી, આરોગ્ય કાર્યકર સહિતની ૧૩ હજાર ભરતી થવા પાત્ર

રાજકોટ તા. ૨૩ : રાજ્ય ચૂંટણી પંચે ગઇકાલે રાજ્યની ૧૦૮૦૦ જેટલી ગ્રામ પંચાયતોની ચૂંટણી જાહેર કરતા પંચાયતોના કાર્યક્ષેત્રના નવા વિકાસકામોને બ્રેક લાગવા સાથે તાલુકા - જિલ્લા પંચાયત ક્ષેત્રની નવી ભરતી પ્રક્રિયાને પણ બ્રેક લાગી છે.

ગ્રામ પંચાયતોની ચૂંટણી ૧૯ ડીસેમ્બરે અને મત ગણતરી ૨૧ ડીસેમ્બરે છે. આચારસંહિતા તા. ૨૪ ડીસેમ્બર સુધી છે. ત્યાં સુધી પંચાયત ક્ષેત્રની ભરતી પ્રક્રિયા આગળ વધી શકશે નહિ. રાજ્યમાં તલાટી કમ મંત્રી, જુનિયર કલાર્ક, વિસ્તરણ અધિકારી સહિત ૧૯ જેટલી કેડરમાં ૧૩ હજાર જેટલા કર્મચારીઓની ભરતી પૂર્વેની વહીવટી પ્રક્રિયા ચાલી રહી છે. ફાઇલ હાલ નાણા વિભાગમાં મંજુરીના અંતિમ તબક્કે છે. અરજીઓ મંગાવવા જાહેરાત પ્રસિધ્ધ થાય તે પૂર્વ ચૂંટણી જાહેર થતાં આચારસંહિતા લાગી ગઇ છે. હવે ભરતી પ્રક્રિયા ડીસેમ્બર અંત કે જાન્યુઆરી ૨૦૨૨માં આગળ વધે તેવી શકયતા છે.

(11:37 am IST)