ગુજરાત
News of Tuesday, 23rd November 2021

દાહોદ જીલ્લાના ફતેપુરા વિધાનસભાના ધારાસભ્‍ય સહિતના ગ્રુપમાં કોઇએ અશ્‍લિલ ફોટા મુકી દેતા ગ્રુપના સભ્‍યો લેફટ થવા માંડયા

આ ગ્રુપમાં અનેક મહિલાઓ પણ હોવાથી ભારે શરમજનક ઘટના

દાહોદ: ફરી એકવાર દાહોદ જિલ્લામાં સોશિયલ મીડિયામાં આપત્તિ જનક વીડિયો, તેમજ ફોટા મુકવાનો સિલસિલો યથાવત રહ્યો હોવાના સમાચાર મળી રહ્યા છે. ફતેપુરા વિધાનસભાના વોટ્સઅપ ગ્રુપમાં એક ઇસમ દ્વારા આપત્તિ જનક વીડિયો અને તેમજ ફોટા મુકવામાં આવ્યા છે. આ ગ્રુપમાં ફતેપુરા ધારાસભ્ય સહિત અનેક ભાજપના હોદ્દેદારો પણ છે. એટલું જ નહીં, ફતેપુરા વિધાનસભા ગ્રુપમાં મહિલા હોદ્દેદારો સહિત અનેક અગ્રણી નેતાઓ પણ છે. વોટ્સએપ ગ્રુપમાં આપત્તિ જનક પોસ્ટ મુકાતા જ તમામ ગ્રુપના સભ્યો તાત્કાલિક લેફ્ટ થવા માંડ્યા હતા.

આ વિશે મળતી માહિતી પ્રમાણે, દાહોદ જિલ્લામાં સોશિયલ મીડિયામાં આપત્તિ જનક વીડિયો અને ફોટા પોસ્ટ કરાતા ખળભળાટ મચી જવા પામ્યો છે. થોડા દિવસ અગાઉ લીમખેડા સોશિયલ મીડિયા ગ્રુપમાં અશ્લિલ ફોટા પોસ્ટ કર્યા હોવાની શાહી હજી સુકાઇ નથી, તેવામાં આ ફરી એક મોટો કાંડ થયો છે.

તમને જણાવી દઈએ કે, ફતેપુરા વિધાનસભા ગ્રુપમાં મહિલા હોદ્દેદારો સહિત અનેક ભાજપના અગ્રણી નેતાઓ, હોદ્દેદારો છે. આ ગ્રુપ વિકાસના કામોની ઝડપી બનાવવા માટે બનાવવામા આવ્યું છે. તેમાં દરરોજ વિકાસના કામોની પોસ્ટ મૂકવામાં આવતી હતી. પરંતુ ગત રોજ ગ્રુપ મેમ્બર્સના એક સભ્ય દ્વારા રાત્રિના સમયે અશ્લીલ ફોટાની પોસ્ટ મુકાતાં મહિલા સભ્યોએ સોશિયલ મીડિયા ગ્રુપમાં ફિટકાર વરસાવી હતી. થોડીવારમાં ધડાધડ એક એક કરીને તમામ સભ્યો રિમૂવ થયા હતા.

જાણવા મળી રહ્યું છે કે, કેટલાંક સભ્યોએ પોસ્ટ કરનાર સભ્યનો સંપર્ક કર્યો હતો. પરંતુ આ સભ્ય દ્વારા પોતાનો મોબાઈલ પણ સ્વીચ ઓફ કર્યો હોવાની પણ પોસ્ટ મૂકવામાં આવી છે. આમ વિધાનસભા ગ્રૂપમાં અશ્લીલ ફોટો પોસ્ટ મુકાયા હોવાની વાયુવેગે પ્રસરતા ચારેકોર ચર્ચાનો વિષય બન્યો છે.

(4:51 pm IST)