ગુજરાત
News of Tuesday, 23rd November 2021

દક્ષિણ ગુજરાતમાં સામાન્‍ય વરસાદની આગાહીઃ રાજ્‍યમાં ઠંડીનું પ્રમાણ વધવાની હવામાન વિભાગની આગાહી

વરસાદના વિરામ બાદ રાજ્‍યમાં બફારો અને ઉકળાટનું પ્રમાણ વધ્‍યુ

અમદાવાદ: ગુજરાતના વિવિધ વિસ્તારોમાં ગત બુધવારથી શુક્રવાર એમ ત્રણ દિવસ ચોમાસા જેવો માહોલ સર્જાયો હતો અને હવે છેલ્લા બે ત્રણ દિવસથી ભર શિયાળે ઉનાળા જેવી સ્થિતિ બની ગઈ છે. પરંતુ તેમ છતાં આજે દક્ષિણ ગુજરાતમાં  સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાત સિવાય ક્યાંય વરસાદની આગાહી નથી. રાજ્યના અન્ય વિસ્તારોમાં વાતાવરણ સુક્કું રહેશે.

બે દિવસ બાદ રાજ્યમાં ઠંડીનું પ્રમાણ પણ વધવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. હાલ તાપમાનમાં 3થી 5 ડિગ્રી સુધીનો ઘટાડો થઈ શકે છે. હાલ હવામાં ભેજને લીધે લધુત્તમ તાપમાન ઘટ્યું નથી. રાજ્યના મોટાભાગના શહેરોનું લધુત્તમ અને મહત્તમ તાપમાન ઉંચકાયું છે. વરસાદના વિરામ બાદ રાજ્યમાં બફારો અને ઉકળાટ વધતા લોકો શિયાળામાં પણ પરસેવે રેબઝેબ થઈ ગયાં છે.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે અમદાવાદ સહિત રાજ્યના તમામ શહેરોનું તાપમાન ઉંચકાયું છે. સુરતમાં તો લધુત્તમ તાપમાન ઉનાળાની સિઝનની માફક 26  ડિગ્રીને પાર પહોંચી ગયું છે. આ સિવાય ડીસાનું 21.5, વડોદરાનું 22.2, સુરતનું 26.4, ભુજનું 20.2, કંડલા પોર્ટનું 22.1, ઓખાનું 24.7, ભાવનગરનું 24.8, દ્વારકાનું 22.2, પોરબંદરનું 23.8, રાજકોટનું 22.3, વેરાવળનું 25.2, સુરેન્દ્રનગરનું 23 જ્યારે અમદાવાદ સહિત અનેક શહેરોનું મહત્તમ તાપમાન પણ 34 ડિગ્રીને પાર પહોંચી ગયું છે.

બીજી બાજુ રાજ્યભરના વાતાવરણમાં અચાનક પલટો આવતા વાદળો ઘેરાયા હતા અને ભેજનું પ્રમાણ વધ્યું હતું. જેના કારણે હવે બફારો વધ્યો છે. જેથી ઠંડીનું જોર સાવ ઘટી રહ્યું છે.

અમદાવાદ શહેરમાં લધુત્તમ તાપમાન 23.1 ડિગ્રી નોંધાયું છે, જે સામાન્ય કરતા 7.4 ડિગ્રી વધુ નોધાયું છે. આ સિવાય દિવસનું મહત્તમ તાપમાન 34.2 ડિગ્રી નોધાયું છે જે પણ સામાન્ય કરતા અઢી ડિગ્રી વધુ નોંધાયું છે.

(5:00 pm IST)