ગુજરાત
News of Tuesday, 23rd November 2021

સોજીત્રામાં આરસીસી રોડ મજબૂત હોવા છતાં અચાનક સત્તાધીશો દ્વારા ડામર પથારવમાં આવ્યા

 વલ્લભવિદ્યાનગર : સોજીત્રા શહેરમાં ૩ વર્ષ પૂર્વે નિર્માણ કરેલ આરસીસી રોડ મજબુત હોવા છતાં સત્તાધીશો દ્વારા સીસી રોડ ઉપર ડામર પાથરી દેવામા આવતા શહેરીજનોમાં ભારે આશ્ચર્ય સર્જાયુ છે. સી.સી. રોડ ઉપર ડામર પાથરવાનો નિર્ણય હાસ્યાસ્પદ સાબિત થયો છે. કયા કારણે નિર્ણય લેવાયો તેની ભારે ચર્ચા અને અટકળો વહેતી થઇ છે. જેમાં ગ્રાન્ટનો દુરૂપયોગ થઇ રહ્યો હોવાની પણ બુમો ઉઠી છે. 

શહેરમાં નિર્માણ થતાં રોડની ગુણવત્તા સામે અનેક પ્રશ્નાર્થો ઉભા થયા છે. વ્હોરાવાડ વિસ્તારમાં જતા માર્ગ ઉપર બનાવવામા આવેલ સીસી રોડ મજબુત અને ટકાઉ હતો.તે માર્ગ જર્જરિત પણ ન હોવા છતાં પાલિકા સત્તાધીશોએ રોડ ઉપર ડામર પાથરવાનુ શરૂ કર્યુ છે. નાગરિકોએ આક્ષેપ કર્યો છે કે ડામર પાથરવાનું કારણ હજુ સમજાતુ નથા. પાલિકાના હોદ્દેદારો ગ્રાન્ટનો દુરૂપયોગ કરી રહ્યા છે. એટલુંજ નહીં કામને એજન્ડામાં લીધા વિના જ કામગીરી કરવામા આવી રહી છે. જયારે બીજી તરફ બિલકુલ બિસ્માર માર્ગના મુદ્દે વ્હાલા-દવલાની નીતિ અખત્યાર કરવામા આવી રહી હોઇ શહેરમાં કેટલાક માર્ગો સાવ ઉબડખાબડ હોઇ, ખાડાઓ પડી જવા સહિત મટીરીયલ ઉખડી જતાં ચોમાસુ ઋતુમાં પાણી ભરાઇ જતા  સ્થાનિક રહીશો, રાહદારીઓને અવરજવર કરવા માટે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હોવાના આક્ષેપો કરવામા આવ્યા છે. અનેક વખત રજુઆત કરવા છતાં જર્જરિત માર્ગોનુ સમારકામ કે નવનિર્માણ કરવામા પણ દુર્લક્ષ સેવવામા આવી રહ્યુ છે. ત્યારે આ મુદ્દે આગામી સમયમાં માર્ગનો મુદ્દોે ભડકાનુ સ્વરૂપ લે તેવા એંધાણ વર્તાઇ રહ્યા છે. પ્રાદેશિક કમિશ્નરને લેખિત ફરિયાદ કરી તપાસની માંગ પણ કરવામા આવી છે. 

(5:32 pm IST)