ગુજરાત
News of Tuesday, 23rd November 2021

સુરત:ડુમ્મસના ભાટિયા ફાર્મના બંગલામાં ચાલતા નશામુક્તિ કેન્દ્રમાં સારવાર માટે આવેલ બેન્કના મેનેજર પર હુમલો કરવામાં આવતા પોલીસ ફરિયાદ

સુરત: ડુમ્મસના ભાટીયા ફાર્મના બંગલામાં ચાલતા નશામુક્તિ કેન્દ્રમાં સારવાર માટે દાખલ થયેલા અંકલેશ્વરની બેંકના મેનેજરને દાખલ થયાના પહેલા દિવસે જ ચાર જણાએ ઢીક-મુક્કીનો માર મારી ડાબી આંખ ઉપર મુક્કો મારતા દેખાતું બંધ થઇ જતા મામલો ડુમ્મસ પોલીસમાં પહોંચ્યો છે. દિલ્હીના પાંડવનગરમાં રહેતી અને નર્સરી સ્કૂલ ચલાવતી કંચનકુમારી શંભુચરણ સિંહનો અંકલેશ્વરની બેંકમાં મેનેજર તરીકે નોકરી કરતો મોટો ભાઇ રાહુલ શંભુશરણ સિંહ (ઉ.વ.34) નશાનો બંધાણી થઇ જતા ગત ફેબ્રુઆરી મહિનામાં સારવાર માટે ડુમ્મસના ભાટીયા ફાર્મમાં ચાલતા નશામુક્તિ કેન્દ્રમાં દાખલ કરવામાં આવ્યો હતો. સારવાર લઇ રહેલા ભાઇ સાથે વાત કરવા કંચનકુમારીએ અનેક વખત ફોન કર્યા હતા. પરંતુ નશામુક્તિ કેન્દ્રના સ્ટાફે વાત કરાવી ન હતી. જેથી માર્ચ મહિનામાં કંચન તેની માતા સાથે સુરત આવી હતી પરંતુ સાતેક કલાક સુધી બંનેને નશામુક્તિ કેન્દ્રની બહાર બેસાડી રાખી મુલાકાત આપી ન હતી. જયારે મે મહિનાની શરૂઆતમાં માંડ એક વખત રાહુલ સાથે ફોન પર વાત કરાવી હતી. જેથી કંટાળીને કંચને તમામ ફી ભરપાઇ કરી રાહુલ માટે ફ્લાઇટની ટિકીટ મોકલી દિલ્હી બોલાવી લીધો હતો. દિલ્હી પહોંચતા વેંત રાહુલે આક્ષેપ કર્યો હતો કે સારવાર માટે દાખલ થયો તેના પહેલા દિવસે જ સોહેલ નામના વ્યક્તિએ પકડી રાખ્યો હતો અને સાંઇ નામના વ્યક્તિએ ડાબી આંખ પર મુક્કો મારતા દેખાતું બંધ થઇ ગયું હતું. જયારે અન્ય બે જણાએ માર માર્યો હતો અને કહ્યું હતું કે હજી એક આંખ ગઇ છે, આગળ જતા બીજી પણ ફૂટી જશે. જેને પગલે કંચનકુમારીએ સોહેલ અને સાંઇ સહિત ચાર વિરૂધ્ધ ફરીયાદ નોંધાવી છે.

 

(5:56 pm IST)