ગુજરાત
News of Tuesday, 23rd November 2021

અમદાવાદના જુહાપુરનો કુખ્યાત ગુનેગાર લેન્ડ ગ્રેબિંગ એકટ અને વીજ ચોરીનો આરોપી નજીરની પાસામાં ધરપકડ : ભુજ જેલ હવાલે

કુખ્યાત નજીર વોરા સામે અત્યાર સુધીમાં હત્યાની કોશિશ વીજ ચોરી સહિત લેન્ડ ગ્રેબીગ સહિતના 20 જેટલા ગુના

અમદાવાદ :લેન્ડ ગ્રેબિંગ એકટ અને વીજ ચોરીના ગુનામાં કુખ્યાત ડોન નજીર વોરા સામે ફરી વાર ડીસીપી પ્રેમશુખ ડેલુએ કડક કાર્યવાહી કરી છે,લેન્ડ ગ્રેબિંગ ચોરી અને સરકારી જમીન પર કબજો સહિતના ગંભીર ગુના અચરનાર કુખ્યાત નજીર વોરાની પાસ હેઠળ ધરપકડ કરી લીધી છે આરોપી નજીરને ભુજ જેલ ખાતે મોકલી આપ્યો છે. લાંબા સમયે માથાભારે ગેંગો અને ગુનેગારો સામે કાર્યવાહો કરતા લોકોએ રાહતનો શ્વાસ લીધો છે.

જુહાપુરનો કુખ્યાત ડોન નજીર વોરા માથાભારે હોવાથી સરકારી જમીનો પર કબજો કરતો હતો અને તેમાં બાંધકામ કરી લોકોને દુકાન ભાડે આપી પૈસા કમાતો હતો બીજી તરફ આ દુકાનો અને અન્ય વિસ્તારમાં વીજ ચોરી કરી મોટા પાયે પૈસા વસુલતો હતો. આમ વીજ ચોરી પણ મોટા પાયે કરતો હતો. નજીર છેલ્લા કેટલાય વર્ષોથી આ રેકેટ ચલાવી રહ્યો હતો પરંતુ તેના અમુક આઇપીએસ અધિકારીઓ સાથે સંબંધો સુંવાળા હોવાથી તેના સામે કોઈ કાર્યવાહી થતી ન હતી. સ્થાનિક પોલીસ પણ નજીર સામે પડતા ડરતી હોવાની ચર્ચા હતી. આખરે સેકટર 1 રાજેન્દ્ર અસારી અને ડીસીપી પ્રેમશુખ ડેલુંનું પોસ્ટિંગ થતા ચમરબંધી ગુનેગારો સામે કડક હાથે કાર્યવાહી કરવામાં આવી હતી.

શહેરના જોઈન્ટ કમિશનર રાજેન્દ્ર અસરીના આદેશથી ડીસીપીએ લિસ્ટેડ ગુનેગાર નજીર વોરાના ગેરકાયદે બાંધકામ અને વીજ ચોરી પર કડક કાર્યવાહી કરી હતી. નજીરના ગેરકાયદે બાંધકામ તોડી સરકારી જમીન પર ગેરકાયદે કબજો કર્યો હોવાથી તેના સામે વેજલપુર પોલીસ સ્ટેશનમાં લેન્ડ ગ્રેબિંગ એકટ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી હતી.

પોલીસે તપાસ હાથ ધરતા આરોપી નજીર વોરા તેની પત્ની સાથે ફરાર થઈ ગયો હતો. જેથી પોલીસે તેની મિલકત જપ્ત કરવા કાર્યવાહી હાથ ધરી હતી. આ દરમિયાન મિલકત જપ્તિની મુદત પૂર્ણ થતાના છેલ્લા દિવસે નજીર વોરા અને તેની પત્નીએ કોર્ટમાં સરેન્ડર કર્યું હતું. જેથી પોલીસે તેની કસ્ટડી મેળવી કોરોના ટેસ્ટ કરવી ધરપકડ કરવા કાર્યવાહી કરી હતી.

નજીર કેસોમાં જમીન પર મુક્ત થયા બાદ તેને પાસા હેઠળ ધકેલી દેવામાં આવ્યો છે. આ અંગે ડીસીપી પ્રેમશુખ ડેલુંએ જણાવ્યું હતું કે, વેજલપુર પોલીસ સ્ટેશનની હદ જુહાપુરા ખાતે કુખ્યાત ગુનેગાર નજીર વોરા રહેતો અને તેનું ગુનાહિત સામ્રાજ્ય ચલાવતો હતો તેના સામે કડક કાર્યવાહી કરી લેન્ડ ગ્રેબિંગ સહિતના ગુના દાખલ કર્યા હતા આખરે તેના સામે પાસાની પણ કડક કાર્યવાહી કરવામાં આવી છે.

કુખ્યાત નજીર વોરા સામે અત્યાર સુધીમાં 20 જેટલા ગુના દાખલ થયેલા છે. તેના સામે હત્યા, હત્યાની કોશિશ વીજ ચોરી સહિત લેન્ડ ગ્રેબીગ સહિતના અનેક ગુના દાખલ થયેલા છે. નજીર વોરા બચવા માટે અમુક સમય ફરાર પણ રહ્યો હતો પરંતુ ડીસીપી પ્રેમશુખ ડેલુંએ કડક કાર્યવાહી કરતા તેને કોર્ટમાં શરણ લેવું પડ્યું હતું.

અમદાવાદ શહેરમાં 7 ઝોન માં અલગ અલગ પોલિસ સ્ટેશન આવેલા છે. અનેક પોલીસ સ્ટેશનમાં ગુનેગારો બેફામ બન્યા છે તેમ છતાં તેમના પર કાર્યવાહી થતી નથી. અમુક ઝોનમાં તો દારૂ જુગારના અડ્ડા અને તેના ગુનેગારો પણ બેફામ બન્યા છે તેમ છતાં સ્થાનિક પોલીસ અને ઉચ્ચ અધિકારીઓ આંખઆડાકાન વહીવટદાર કે પછી અન્ય કોના ઈશારે કરી રહ્યા છે તે ચર્ચાનો વિષય બન્યો છે.

(7:01 pm IST)