ગુજરાત
News of Tuesday, 23rd November 2021

અમરાઈવાડી પોલીસ સ્ટેશનના પાર્કિંગમાં જ યુવકે અન્ય યુવક પર છરીના ઘા માર્યા

બન્ને યુવકો સામાન્ય બાબતે તકરાર થતા ફરિયાદ માટે આવ્યા હતા:ઈજાગ્રસ્ત યુવકને હોસ્પિટલ ખસેડાયો

અમદાવાદ: અમરાઈવાડી પોલીસ સ્ટેશનની અંદર પાર્કિંગમાં જ યુવકે અન્ય યુવક પર છરીના ઘા માર્યા હતા.આ બન્ને યુવકો સામાન્ય બાબતે તકરાર થતા ફરિયાદ માટે આવ્યા હતા. આ અંગે ઈજાગ્રસ્ત યુવકને હોસ્પિટલમાં લઇ ગયા બાદ તેણે આરોપીઓ સામે ફરિયાદ નોંધાવી છે.

 મળતી માહિતી પ્રમાણે, રાકેશભાઈ ચાવડાએ અમરાઈવડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે 22મીએ રાતે 10.30 વાગ્યાના અરસામાં તેઓ સુખરામનગર પાસે હતા, ત્યારે તેમને એક ફોન આવ્યો કે તમારો દીકરો જે પાનનો ગલ્લો ચલાવે છે તેનો ઝઘડો થયો હતો. જે માટે લોકો ફરિયાદ કરવા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. રાકેશભાઈ ચાવડા અમરાઈવાડી પોલીસ સ્ટેશન પહોંચ્યા ત્યારે પાર્કિંગમાં બાઇક પર બેઠા હતા, એટલામાં અરવિંદભાઈ રાઠોડ છરી લઈને ત્યાં આવ્યા હતા. જેમણે રાકેશભાઈના ખભા અને કાનના ભાગે છરી મારી હતી. જેમાં રાકેશભાઈને ઇજા થઈ હતી, જ્યારે અરવિંદભાઈ આ હુમલો કરીને ભાગી ગયા હતાં.

પોલીસ સ્ટેશન કમ્પાઉન્ડમાં કોઈપણ વ્યક્તિને DCPને મળવા જવું હોય તો ફોન બહાર મુકાવીને પ્રોટોકોલ પ્રમાણે જવું પડે છે. જ્યાં આજે હુમલાખોર છરી લઈને ઘૂસી આવ્યો હતો અને પાર્કિંગમાં બેઠેલા શખ્સ પર જીવલેણ હુમલો કર્યો હતો. ઈજાગ્રસ્ત યુવકને હોસ્પિટલમાં લઇ ગયા બાદ તેણે આરોપીઓ સામે ફરિયાદ નોંધાવી છે. ઉલ્લેખનીય છે કે આ બનાવ અમરાઇવાડી પોલીસ સ્ટેશન કેમ્પસમાં પોલીસ અને તેના અધિકારી સામે શરમજનક સમાન છે.

(7:05 pm IST)