ગુજરાત
News of Tuesday, 23rd November 2021

અનુસૂચિત આદિજાતિ પ્રમાણપત્ર કાઢી આપવાનું અને ખરાઇ કરવા- નિયમન જોગવાઈથી મુક્તિ

અનુસૂચિત આદિજાતિઓના ઉમેદવારોને ગ્રામ પંચાયતની ચૂંટણીમાં મુશ્કેલી ન પડે તેવા શુભ આશયથી હુકમ

અમદાવાદ :આદિજાતિ વિકાસ વિભાગ, ગુજરાત સરકાર દ્વારા તા.૧૬/૧૦/૨૦૧૮ના રોજ સરકારી ગેઝેટમાં ગુજરાત અનુસૂચિત જાતિ, અનુસૂચિત આદિજાતિ અને અન્ય પછાત વર્ગ (જાતિ પ્રમાણપત્ર કાઢી આપવાનું અને તેની ખરાઈ કરવાનું નિયમન કરવા) બાબત અધિનિયમ, ૨૦૧૮ પ્રસિધ્ધ કરેલ હતો. જે તા.૨૫/૦૨/૨૦૧૯ના રોજથી અમલમાં આવેલ છે. સદરહુ અધિનિયમ હેઠળ તા.૧૯/૦૯/૨૦૨૦ના સરકારી જાહેરનામાથી ગુજરાત અનુસૂચિત આદિજાતિ (પ્રમાણપત્ર કાઢી આપવાનું અને તેની ખરાઈ કરવાનું નિયમન કરવા) બાબત નિયમો, ૨૦૨૦ પ્રસિધ્ધ કરેલ છે. જે હાલ અમલમાં છે. તા.૧૯/૦૭/૨૦૨૧ના જાહેરનામાથી અનુસૂચિત આદિજાતિ પ્રમાણપત્ર આપવા માટે સંબંધિત તાલુકાના મામલતદારને સક્ષમ સત્તાધિકારી તરીકે જાહેર કરેલ છે. તા.૧૯/૦૯/૨૦૨૦ના જાહેરનામાથી અમલમાં આવેલ ગુજરાત અનુસૂચિત આદિજાતિ (પ્રમાણપત્ર કાઢી આપવાનું અને તેની ખરાઈ કરવાનું નિયમન કરવા) બાબત નિયમો,૨૦૨૦ના નિયમ નં.૧૦(૧)ની જોગવાઇ મુજબ અનુસૂચિત આદિજાતિના લાભો મેળવવા માટે માન્યતા પ્રમાણપત્ર (Validity Certificate) મેળવવું     જરૂરી છે.

આદિજાતિ વિકાસ વિભાગના તા.૧૯/૦૭/૨૦૨૧ના જાહેરનામાથી સુરત, વડોદરા, ગાંધીનગર-૧ અને ગાંધીનગર-૨ ખાતે એમ કુલ ૦૪(ચાર) ઝોનવાર વિભાગીય વિશ્લેષણ સમિતિઓ કાર્યરત થયેલ છે તેની સમક્ષ આવેલ રજૂઆતો પરત્વે ચકાસણી કરીને માન્યતા પ્રમાણપત્ર (Validity Certificate) આપે છે.
રાજ્ય ચૂંટણીપંચ દ્વારા તા.૨૨/૧૧/૨૦૨૧ના રોજ ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજવા અંગે અખબારી યાદી પ્રસિધ્ધ થયેલ છે. જેમાં રાજ્યની ૧૦૮૭૯ ઉપરાંતની ગ્રામ પંચાયતોમાં મોટી સંખ્યામાં અનુસૂચિત આદિજાતિના ઉમેદવારો ચૂંટણીમાં ભાગ લેશે આ તમામ ઉમેદવારોના પ્રમાણપત્રોની વિશ્લેષણ સમિતિ દ્વારા ચકાસણી કરી તેઓને માન્યતા પ્રમાણપત્ર (Validity Certificate) આપવાનાં થાય છે. ટૂંકા સમયગાળામાં આ કામગીરી સમયસર પૂર્ણ ન થાય તેવા સંજોગો ઉપસ્થિત થવા પામેલ છે.
જેથી રાજ્ય સરકાર દ્વારા અનુસૂચિત આદિજાતિઓના ઉમેદવારોને મુશ્કેલી ન પડે તેવા શુભ આશયથી હુકમ નં. GH/TD/10/AJP/112021/419/CH(P.

F.), તા.૨૨/૧૧/૨૦૨૧થી ગુજરાત અનુસૂચિત જાતિ, અનુસૂચિત આદિજાતિ અને અન્ય પછાત વર્ગ (જાતિ પ્રમાણપત્ર કાઢી આપવાનું અને તેની ખરાઇ કરવાનું નિયમન કરવા) બાબત અધિનિયમ, ૨૦૧૮ અંતર્ગત કલમ-૧૯ હેઠળ આગામી યોજાનાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી તથા ધોરણ-૧૦ પછીની શૈક્ષણિક સંસ્થાઓમાં પ્રવેશ મેળવવા માટે અનુસૂચિત આદિજાતિ(પ્રમાણપત્ર કાઢી આપવાનું અને તેની ખરાઇ કરવાનું નિયમન કરવા) બાબત, નિયમો-૨૦૨૦ના નિયમ-૧૦(૧) હેઠળની જોગવાઇમાંથી આગામી અન્ય હુકમ ન થાય ત્યાં સુધી મુક્તિ આપવામાં આવેલ  છે.

(7:30 pm IST)