ગુજરાત
News of Tuesday, 23rd November 2021

માધુરી દીક્ષિત શૂટિંગ માટે પાવાગઢમાં, લોકોનાં ટોળાં વળ્યા

જાજરમાન અભિનેત્રીનાં ગુજરાતમાં ધામા : માધુરીએ પાવાગઢમાં આવેલા રોપ-વેમાં બેસીને શૂટિંગ કર્યું હતું, જેના કારણે રોપ-વે સેવાને અસર પહોંચી

પાવાગઢ, તા.૨૩ : બોલિવુડની 'ધક ધક ગર્લ' માધુરી દીક્ષિત હાલ ગુજરાતમાં છે અને તેની અપકમિંગ ફિલ્મ 'મેરે પાસ મા હૈ'નું શૂટિંગ કરી રહી છે. ૯૦ના દશકામાં ફિલ્મો દ્વારા લાખો દિલો પર રાજ કરનારી માધુરી દીક્ષિતના આજે પણ એટલા ફેન છે. સોમવારે એક્ટ્રેસ ફિલ્મના શૂટિંગ માટે પંચમહાલ જિલ્લામાં આવેલા પવિત્ર યાત્રાધામ પાવાગઢ ખાતે પહોંચી હતી.

દરમિયાન તેની એક ઝલક મેળવવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા. તેને જોવા માટે ઉમટેલા લોકોને જોઈને માધુરી દીક્ષિતે હાથ હલાવીને તેમનું અભિવાદન કર્યું હતું. સોમવારે માધુરીએ પાવાગઢમાં આવેલા રોપ-વેમાં બેસીને શૂટિંગ કર્યું હતું, જેના કારણે રોપ-વે સેવાને અસર પહોંચી હતી. જ્યાં સુધી શૂટિંગ ચાલ્યુ ત્યાં સુધી રોપ-વે સેવા બંધ રાખવામાં આવી હતી. એક્ટ્રેસની ફિલ્મનું પાવાગઢમાં ત્રણ દિવસ સુધી શૂટિંગ ચાલવાનું છે. આજે તે પાવાગઢના ભદ્રગેટ, જામા મસ્જિદ, સાત કમાન જેવી જગ્યા પર શૂટિંગ કરશે માધુરી દીક્ષિત સોશિયલ મીડિયા પર ખાસ્સી એક્ટિવ રહે છે. થોડા દિવસ પહેલા તેણે ગુજરાતી થાળીનો સ્વાદ માણ્યો હતો અને તેની ઝલક ફેન્સને પણ દેખાડી હતી.

તેણે જે વીડિયો શેર કર્યો હતો તેમાં થાળીમાં ઘણી ગુજરાતી વાનગીઓ જોવા મળી હતી. માધુરીની થાળીમાં ગુજરાતી કઢી, કાલાજાંબુ, બટાકાનું શાક, દાળ, પાતરાં, અથાણું, પૂરી, રોટલી, ત્રિરંગી ઢોકળા, છાશ, દહીં, પાપડ, ઘારી અને અન્ય બે શાક જોવા મળ્યા હતા. માધુરીએ વિડીયો શેર કરીને લખ્યું હતુ 'ફૂડ=પ્રેમ. વર્કફ્રંટની વાત કરીએ તો માધુરી દીક્ષિત ઓટીટી પ્લેટફોર્મ પર ડેબ્યૂ કરવાની છે. 'ફાઈન્ડિંગ અનામિકા' નામની વેબ સીરીઝમાં માધુરી લીડ રોલમાં જોવા મળશે. સીરીઝની વાર્તા ગ્લોબલ સુપરસ્ટાર, પત્ની અને મા જે અચાનક ગાયબ થઈ જાય અને પગેરું મળતું નથી. સીરીઝમાં માધુરી ઉપરાંત સંજય કપૂર અને માનવ કૌલ પણ મહત્વના રોલમાં જોવા મળશે.

(8:55 pm IST)