ગુજરાત
News of Wednesday, 23rd November 2022

કેન્દ્રીય ચૂંટણી પંચના ખર્ચ નિરીક્ષક પ્રભાત રંજને તિલકવાડા તાલુકાની દેવલીયા ચેકપોસ્ટની લીધેલી મુલાકાત

ચૂંટણીલક્ષી ફરજો માટે તૈનાત કરાયેલી SST ટીમ, BSF અને પોલીસના જવાનો ધ્વારા થઇ રહેલી કામગીરીના સ્થળ નિરીક્ષણ સાથે ટીમને સ્થળ પર જ જરૂરી સૂચનો સાથે શ્રી રંજને પુરૂ પાડ્યું માર્ગદર્શન

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લામાં આગામી તા.૦૧ લી ડિસેમ્બર,૨૦૨૨ ના રોજ નર્મદા જિલ્લામા યોજાનારી વિધાનસભા સામાન્ય ચૂંટણીઓ આદર્શ આચારસંહિતાના અમલ સાથે મુક્ત અને ન્યાયી રીતે મતદાનની પ્રક્રિયા સુનિશ્વિત રીતે સુપેરે પાર પડવાની સાથે સંપન્ન થાય તે માટે કેન્દ્રિય ચૂંટણી પંચ દ્વારા ખર્ચ નિરિક્ષક તરીકે નિમાયેલા પ્રભાત રંજને જિલ્લામાં સમાવિષ્ટ ૧૪૮-નાંદોદ (અ.જ.જા) મત વિસ્તારમાં તિલકવાડા તાલુકામાં દેવલીયા ખાતેની ચેકપોસ્ટની મુલાકાત લઇ આ ચેકપોસ્ટ ખાતે ચૂંટણીલક્ષી ફરજો માટે તૈનાત કરાયેલી SST ટીમ, BSF જવાનો અને પોલીસ જવાનો ધ્વારા થઇ રહેલી કામગીરીનું સ્થળ નિરીક્ષણ કર્યુ હતું. આ ટીમોને સ્થળ પર જ તેઓએ કેટલાંક સૂચનો સાથે જરૂરી માર્ગદર્શન પુરૂ પાડ્યું હતું.
કેન્દ્રીય ચૂંટણી ખર્ચ નિરીક્ષક પ્રભાત રંજને આ મુલાકાત દરમિયાન દેવલીયા ચેકપોસ્ટ ખાતે ફરજ પરના ટીમ લીડર અધિકારી, પોલીસના સુરક્ષા કર્મીઓ-જવાનો સાથે જરૂરી ચર્ચા-વિમર્શ કરી સ્થળ પર થઈ રહેલી કામગીરીના જરૂરી રજીસ્ટર્સની ચકાસણી કરી ફરજ પરના અધિકારીઓ/કર્મચારીઓ દ્વારા ૨૪ કલાક રાઉન્ડ-ધી-ક્લોક વાહન ચેકીંગ અને રૂટ પેટ્રોલિંગ વગેરે અંગે થઇ રહેલી કામગીરીની વિગતો મેળવી હતી, પ્રભાત રંજને ટીમ લીડર સાથે કરેલ રૂબરૂ પરામર્શ અને ચર્ચા મુજબ ચેકપોસ્ટ પરથી રોજ કેવાં પ્રકારના અને અંદાજે કેટલા વાહનો પસાર થાય છે, દિવસ અને રાત્રિના સમયે કેવા પ્રકારના લોકોની અવર-જવર થાય છે, વાહન ચેક કરતી વખતે કેવા પ્રકારની કાળજી રાખવી વગેરે જેવી બાબતો અંગેની ઝીણવટભરી જાણકારી સાથે વિસ્તૃત માહિતી મેળવી ટીમને સ્થળ પર જરૂરી માર્ગદર્શન પણ આપ્યું હતું. કેન્દ્રીય ખર્ચ નિરીક્ષક પ્રભાત રંજને ચેકપોસ્ટ ખાતેથી થઇ રહેલી વાહનોની અવર-જવર દરમિયાન જો કોઇ વાહન શંકાસ્પદ જણાય તો અન્ય વાહનોની અવર-જવરમાં મુશ્કેલી ન પડે તે રીતે આવા વાહનોને રસ્તાની બાજુમાં રોકીને તેની જરૂરી પૂછપરછ-ચકાસણી કરવા વગેરે જેવી બાબતો અંગેનું પણ ટીમને માર્ગદર્શન આપ્યું હતુ. ઉક્ત મુલાકાત દરમિયાન લાયઝન ઓફિસર વિનોદભાઈ પટેલ પણ સાથે જોડાયાં હતાં

(10:10 pm IST)