ગુજરાત
News of Wednesday, 23rd November 2022

ધોલેરામાં દોઢ લાખ કરોડનું રોકાણ અને 2 લાખ નોકરીઓના અવસર પેદા થશે : ભાવનગરમાં પીએમ મોદીએ સભા સંબોધી

પીએમ મોદીએ કહ્યું -ગુજરાત એક મોટી હરણફાળ ભરવાનું છે. વિશ્વનું મોટામાં મોટું ગ્રીન હાઇડ્રોજન હબ ગુજરાતના દરિયાકિનારે થવાનું છે

અમદાવાદ:ગુજરાત વિધાનસભા ચૂંટણીનો માહોલ જામ્યો છે. ત્યારે ભાવનગરમાં જનસભાને સંબોધિત કરતાં પીએમ મોદીએ જણાવ્યું હતું કે, ધોલેરામાં દોઢ લાખ કરોડ રૂપિયાનું રોકાણ થવાનું છે અને આ પ્રોજેક્ટને કારણે ઓછામાં ઓછા 2 લાખ નોકરીઓના અવસર પેદા થવાના છે.જો સપનાં જોવાનું સામર્થ્ય હોય, સંકલ્પ લેવાની પ્રતિબદ્ધતા હોય અને સંકલ્પ માટે ખપી જવાની કોશિશ હોય તો સિદ્ધિ પ્રાપ્ત થઈને રહેતી હોય છે.ગુજરાત એક મોટી હરણફાળ ભરવાનું છે.   

તેમણે વધુમાં જણાવ્યું હતું કે વિશ્વનું મોટામાં મોટું ગ્રીન હાઇડ્રોજન હબ ગુજરાતના દરિયાકિનારે થવાનું છે. આજે ગુજરાતના દરિયાકિનારે 15000 મેગાવોટ કરતાં વધારે વીજળીનું ઉત્પાદન થાય છે. દુનિયાના કોઈ દેશ કરતાં સૌથી વધુ મહિલા પાયલોટ ક્યાંય હોય તો ભારતમાં મહિલા પાયલોટ વિમાન ઉડાવે છે.

આ ઉપરાંત પીએમ મોદીએ જણાવ્યું કે, એક મા એના દીકરાને જેમ આશીર્વાદ આપે એમ હિંદુસ્તાનના ખૂણે-ખૂણેથી માતાઓ-બહેનોએ મને આશીર્વાદ આપ્યા છે. એ આશીર્વાદ મારા કામની પ્રેરણા છે. એ આશીર્વાદ મારી સુરક્ષાની ગેરંટી છે.એ આશીર્વાદ સમાજ માટે જીવવા-મરવાની પ્રેરણા આપવાની તાકાત ધરાવે છે. ગુજરાતની સંસ્કૃતિ ઉપરાંત માતા-બહેનો માટે સુરક્ષા અને સન્માનનું વાતાવરણ જોઈને દેશના લોકો કહે છે કે.. કાશ હિંદુસ્તાનના ખૂણે-ખૂણે પણ આવી સ્થિતિ હોય

(10:47 pm IST)