ગુજરાત
News of Sunday, 24th January 2021

ધો.3થી 12ની વોટ્સએપ આધારિત પરીક્ષાના પ્રથમ દિવસે સર્વરના ધાંધિયા : અનેક વિદ્યાર્થીઓ પરીક્ષા ન આપી શક્યા

વિભાગ દ્વારા નિરાકારણમાં પ્રયાસો : આગામી પરીક્ષામાં મુશ્કેલી ના સર્જાય તેવી તજવીજ : પરીક્ષા આપવાથી વંચિત વિદ્યાર્થીઓ આગામી દિવસોમાં આપી શકશે પરીક્ષા

અમદાવાદ : રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા ધોરણ-3થી 12ના વિદ્યાર્થીઓ માટે વોટ્સએપ આધારીત પરીક્ષા લેવાની તાજેતરમાં જાહેરાત કરી હતી. આજે શનિવારે પ્રાયોગિક ધોરણે લેવામાં આવેલી આ પરીક્ષામાં સર્વરનો પ્રશ્ન ઊભો થયો હતો, જેના કારણે અનેક વિદ્યાર્થીઓ પરીક્ષા આપી શક્યા ન હતા

  ઉપરાંત યુ ડાયસ કોડ પણ વિદ્યાર્થીઓને ખબર ન હોવાને લીધે પરીક્ષા આપી શક્યા ન હોવાની વિગતો પ્રકાશમાં આવી છે. પ્રાયોગિક ધોરણે લેવામાં આવનારી આ પરીક્ષામાં જે મુશ્કેલીઓ આવી રહી છે તેના નિરાકરણ માટે વિભાગ દ્વારા પ્રયાસો શરૂ કરાયા હતા અને આગામી દિવસોમાં લેવાનારી પરીક્ષામાં કોઈ મુશ્કેલી ન આવે તે માટે પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. ઉપરાંત હાલમાં જે વિદ્યાર્થીઓ પરીક્ષા આપી શક્યા નથી તેઓ આગામી દિવસોમાં પણ આ પરીક્ષા આપી શકે તેવું આયોજન કરાયું છે

રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા ધોરણ-3થી 12ના વિદ્યાર્થીઓની વોટ્સએપ આધારીત સાપ્તાહિક પરીક્ષા લેવાની જાહેરાત કરવામાં આવી હતી. આ પરીક્ષા માટે વિદ્યાર્થીઓને એક નંબર આપવામાં આવ્યો હતો તે નંબર પર હેલો લખીને મેસેજ મોકલ્યા બાદ તેમાં વિદ્યાર્થીઓએ શાળાનો યુ ડાયસ કોડ મોકલવાનો રહે છે અને ત્યાર બાદ વિદ્યાર્થીએ પોતાનું નામ અને ધોરણ જણાવવાનું હોય છે. ત્યારબાદ વિદ્યાર્થીઓ વોટ્સએપ પરથી ઓનલાઈન પરીક્ષા આપી શકે તેવું આયોજન કરાયું હતું.

 શનિવારના રોજ પ્રાયોગિક ધોરણે ધો-3 ગુજરાતી, ધો-4 ગુજરાતી અને ધો-5માં ગુજરાતી તથા પર્યાવરણની 10 બહુવિકલ્પી પ્રશ્નો આધારીત વોટ્સએપ બેઈઝ પરીક્ષા લેવામાં આવનાર હતી. જોકે, આ પરીક્ષા માટે પ્રયત્ન કરતા અનેક વિદ્યાર્થીઓને નિરાશા સાંપડી હતી. શરૂઆતમાં સર્વરનો પ્રશ્ન ઉપસ્થિત થતાં વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું હોવા છતાં તેઓ પરીક્ષા આપી શક્યા ન હતા. જ્યારે ઘણા વિદ્યાર્થીઓ એવા હતા કે તેમને સ્કૂલનો યુ ડાયસ કોડ જ ખબર ન હતી. જેથી તેઓ રજિસ્ટ્રેશન કરાવી શક્યા ન હતા. જેના લીધે તેઓ પણ પરીક્ષાથી વંચિત રહ્યા હતા.

 આમ, વિભાગ દ્વારા વોટ્સએપ બેઈઝ પરીક્ષામાં પડતી મુશ્કેલીઓ જોવા માટે જ પ્રાયોગિક ધોરણે માત્ર ધોરણ-3થી 5ની જ પરીક્ષા લેવાનું આયોજન કર્યું હતું. જેમાં સર્વરનો પ્રશ્ન આવતા તેનું નિરાકરણ લાવવા અંગેની કામગીરી શરૂ કરવામાં આવી હતી અને લગભગ બપોર સુધીમાં તે પ્રશ્ન સોલ્વ કરી દેવાયો હોવાનું પણ જાણવા મળે છે. ઉપરાંત યુ ડાયસ કોડને લઈને પણ વિભાગ દ્વારા કામગીરી થઈ રહી હોવાની વિગતો સામે આવી છે. આમ, આગામી દિવસોમાં લેવામાં આવનારી વોટ્સએપ બેઝ્ડ પરીક્ષામાં કોઈ મુશ્કેલી ન થાય તે માટે પુરતા પ્રયાસો કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. તેની સાથે હાલમાં જે વિદ્યાર્થીઓ પરીક્ષા આપી શક્યા નથી તેમના માટે આગામી દિવસોમાં પણ પરીક્ષા આપી શકે તે પ્રકારની વ્યવસ્થા કરાઈ હોવાનું પણ જાણવા મળ્યું છે.

(11:33 pm IST)