ગુજરાત
News of Sunday, 24th January 2021

ડૉ.ભરત બોઘરાના સમારોહના પોસ્ટરમાં કુંવરજી બાવળિયા કપાયા

જસદણ ભાજપમાં જૂથવાદ ચરમસીમાએ : કુંવરજી બાવળિયાનો કે જેવો પણ તે જ વિસ્તારમાં કાર્યરત છે તેમના એક પણ ફોટો બેનર માં જોવા મળ્યો ન હતો

રાજકોટ, તા. ૨૪ : સૌરાષ્ટ્રમાં ભાજપમાં જો જૂથવાદની ચર્ચા થાય તો  હાલમાં જસદણનું નામ કદાચ મોખરે આવતું હશે. કેમકે જસદણ ભાજપમાં અવારનવાર જૂથવાદ ઊગીને આંખે વળગે તેવી રીતે સામે આવે છે. ત્યારે ફરી એકવાર જસદણના ભાજપના કાર્યક્રમમાં કુંવરજીભાઈ બાવળીયા અને ભરત બોઘરા વચ્ચેના જૂથવાદ નો વધુ એક કિસ્સો પણ સામે આવ્યો છે. ભરત બોઘરા ભાજપના ઉપપ્રમુખ બન્યા ત્યાર બાદ અલગ અલગ જગ્યાઓ પર ભરત બોઘરા નું સન્માન પણ કરવામાં આવ્યું. તેવી જ રીતે પોતાના ગામ જસદણમાં પણ ભરત બોઘરાનો અભિવાદન સમારોહ યોજવામાં આવ્યો હતો.

ભરત બોઘરા ને અભિનંદન આપતા અલગ-અલગ આગેવાનો અને કાર્યકર્તાઓ દ્વારા બેનરો લગાડવામાં આવ્યા હતા. આ બેનરમાં ભાજપના તમામ નેતાઓ અને આગેવાનો ના ફોટા મૂકવામાં આવ્યા હતા ત્યારે ફક્ત કુંવરજીભાઈ બાવળિયાનો કે જેવો પણ તે જ વિસ્તારમાં કાર્યરત છે તેમના એક પણ ફોટો બેનર માં જોવા મળ્યો ન હતો, જેને લઇને હાલ સમગ્ર વિસ્તારમાં પણ ચર્ચાઓ જાગી છે. જે રીતે કાર્યકર્તાઓ અને સમર્થકો દ્વારા પોતાના નામના પોસ્ટર મારવામાં આવ્યા તેમાં નરેન્દ્ર મોદી, વિજય રૂપાણી, નીતિન પટેલ , જયેશ રાદડિયા, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સહિતના તમામ પ્રધાનોના ફોટો લગાવ્યા હતા પરંતુ તે જ વિસ્તારમાંથી ચૂંટાયેલા, કદાવર નેતા, કોળી સમાજના આગેવાન અને કેબિનેટ મંત્રી એવા કુવરજીભાઈનો ફોટો એક પણ જગ્યાએ જોવા મળ્યો ન હતો. ઉલ્લેખનીય છે કે અગાઉ પણ અનેક કાર્યક્રમો અને વિકાસના કાર્યક્રમોના લોકાર્પણમાં પણ આ પ્રકારના જૂથવાદ જોવા મળ્યા હતા. ઘણા કાર્યક્રમોમાં કુવરજીભાઈ હોય ત્યારે ભરત બોઘરાની બાદબાકી થતી જોવા મળતી હતી અને ઘણા કાર્યક્રમોમાં ભરત બોઘરા હોય ત્યારે કુવરજીભાઈની બાદબાકી થતી જોવા મળી હતી, જેનો વધુ એક કિસ્સો ગઇકાલે અભિવાદન સમારોહમાં સામે આવ્યો હતો અને જેની ચર્ચા ચારેકોર થઇ રહી છે.

મહત્વનું છે કે જ્યારે કુંવરજીભાઈ બાવળીયા કોંગ્રેસમાં હતા જ્યારે કુંવરજીભાઈ અને ભરત બોઘરા એકબીજાના પ્રતિસ્પર્ધી હતા પરંતુ જ્યારે કુંવરજીભાઈ કોંગ્રેસ છોડી ભાજપમાં આવ્યા હતા ત્યારે પેટા ચૂંટણીમાં કુવરજીભાઈને જીતાડવામાં ભરત બોઘરાએ ખૂબ મહેનત કરી હતી.

(10:14 pm IST)