ગુજરાત
News of Sunday, 24th January 2021

ચૂંટણી ટિકિટ માટે ભાજપના બે નેતાઓની વચ્ચે મારામારી

ચૂંટણી જાહેર થતાં ઉમેદવારોમાં લોબિંગ શરૂ : ગિરીશ પ્રજાપતિ, યુવા મોરચાના લવ ભરવાડ પત્ની માટે ટિકિટની માગ કરી છે જે અંગે તેમની વચ્ચે માથાકૂટ થઈ

અમદાવાદ, તા. ૨૪ : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જાહેરાતની ઘણા સમયથી રાહ જોવાઈ રહી હતી. ગઈ કાલે ચૂંટણી બોર્ડે આગામી કોર્પોરેશન સહિતની અન્ય ચૂંટણીઓની તારીખો જાહેર કરતા જ ઉમેદવારો ટિકિટ મેળવવા માટે લોબિંગ શરૂ કરી દીધું છે. આ વચ્ચે અમદાવાદ કોર્પોરેશનમાં નરોડા વિસ્તારમાં ટિકિટ માટે ભાજપના કોર્પોરેટર અને યુવા મોરચાના સભ્ય વચ્ચે મારા મારી થઈ છે.

ચૂંટણીની તારીખો જાહેર થતા જ ભાજપ અને કોંગ્રેસમાં ઉમેદવારનોની પસંદગી કરવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. ભાજપ દ્વારા સેન્સ પ્રક્રિયા યોજવામાં આવી રહી છે ત્યારે ટિકિટ બાબતે નરોડા વિસ્તારમાં આ મારામારીની ઘટના સામે આવી છે.ભાજપના કોર્પોરેટર ગિરીશ પ્રજાપતિએ પોતાની પત્ની માટે ટિકિટ માંગી હતી જ્યારે યુવા મોરચાના કારોબારી સભ્ય લવ ભરવાડે પણ પત્ની માટે ટિકિટ માંગી હતી. આ બાબતે ઉશ્કેરાયલયેલા લવ ભરવાડે દેવી સિનેમાંથી ૫૦ મીટર દૂર માર માર્યો છે. આ ઘટનામાં ગિરિશ પ્રજાપતિ અને તેમના ભાઈને ઇજા પહોંચતા ખાનગી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

ઘટનાની જાણ થતા પોલીસની પીસીઆર વાન ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને પ્રજાપતિ અને ભરવાડની શોધ કરવાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટના અંગે હજુ સુધી કોઈ પોલીસ ફરિયાદ કરવામાં આવી નથી. જો કોઈ પણ પક્ષ સામે આવે અને પોલીસ ફરિયાદ કરે તો પોલીસ આગળની કાર્યવાહી કરશે.

સ્થાનિક સ્વરાજ્યની આ ચૂંટણીને પગલે ભાજપે આજથી જ રાજ્યમાં ત્રણ દિવસ માટે સેન્સ પ્રક્રિયાની શરૂઆત કરી છે. ૮ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીમાં ફુલ્લી પાસ થયેલા સી.આર પાટીલ હવે સ્થાનિક સ્વરાજ્યનો જંગ જીતવા કમર કસી રહ્યા છે.

(10:08 pm IST)