ગુજરાત
News of Sunday, 23rd January 2022

નવસારી જિલ્લામાં કોરોના કેસ વધતા હોસ્પિટલોમાં સુવિધા વધારાઈ : ગ્રામ્ય કક્ષાએ પણ વિશેષ સવલત

જિલ્લાના 10 સામુહિક આરોગ્ય કેન્દ્રોને પણ સેટેલાઇટ હોસ્પિટલ તરીકે ક્રિયાન્વિત કરાશે : ગ્રામ્ય કક્ષાએ જ 300 ઓક્સિજન બેડ સાથેની વિશેષ સુવિધા ઉભી થઇ

નવસારી જિલ્લામાં રેફરલ અને સિવિલ હોસ્પિટલોમાં સુવિધાઓ વધારવા સાથે જ ગ્રામ્ય સ્તરે આવેલા જિલ્લાના 10 સામુહિક આરોગ્ય કેન્દ્રોને પણ સેટેલાઇટ હોસ્પિટલ તરીકે ક્રિયાન્વિત કરવાના પ્રયાસો હાથ ધરાયા છે. જેના થકી ગ્રામ્ય કક્ષાએ જ 300 ઓક્સિજન બેડ સાથેની વિશેષ સુવિધા ઉભી થઇ છે.

નવસારી જિલ્લામાં 21 દિવસોમાં જ કોરોનાના 26૦૦ કેસ નોંધાયા છે. જેને જોતા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જિલ્લામાં આરોગ્યની સુવિધાઓ વધારવામાં આવી છે. ખાસ કરીને ગ્રામ્ય કક્ષાએ કાર્યરત સામુહિક આરોગ્ય કેન્દ્રો પર કોરોનાની વ્યવસ્થિત સારવાર મળી રહે એ રીતે ઇન્ફ્રસ્ટકચર ઉભુ કરવામાં આવ્યું છે. જિલ્લાની 10 CHC ને સેટેલાઇટ હોસ્પિટલ તરીકે વિકસિત કરવામાં આવી છે અને તેમને નજીકની રેફરલ કે સિવિલ હોસ્પિટલ સાથે જોડવામાં આવી છે.

આ સેટેલાઇટ હોસ્પિટલોમાં 30 ઓક્સિજન બેડની વ્યવસ્થા ઉભી કરતા જિલ્લામાં ગ્રામ્ય સ્તરે 300 ઓક્સિજન બેડની સુવિધા ઉભી કરાઇ છે. સાથે જ જિલ્લા પંચાયતના સ્વભંડોળમાંથી ૧૦ લાખ રૂપિયાની દવાઓની ખરીદી કરવામાં આવી છે.

(12:41 am IST)