ગુજરાત
News of Sunday, 23rd January 2022

ગાઈડલાઈનનુ પાલન નહિ થાય તો કાર્યવાહી થશે : DGP

નેતાના મેળાવડા અંગે પણ DGPનું મોટું નિવેદન આપતા કહ્યુ કે, જ્યારે સંક્રમણ ઓછું હોય તો કાર્યવાહી નથી થતી : કોરોનાએ પોલીસની પણ ઊંઘ ઉડાડી દીધી છે

ગાંધીનગર,તા.૨૨ : આજથી ગુજરાતમાં કોરોનાની નવી ગાઈડલાઈન લાગુ થશે. કોરોનાના ૨૧ હજારથી વધુ કેસોએ સરકારની સાથે પોલીસની પણ ઊંઘ ઉડાડી દીધી છે. ત્યારે ગુજરાતમાં સોશિયલ ડિસ્ટન્સ અને અન્ય નિયમો કડક કરવા જરૃરી બની ગયા છે. આ મામલે ગુજરાતના ડીજીપી આશિષ ભાટિયાએ કહ્યુ કે, કરફ્યૂવાળા શહેરોમાં જો કોઈ ભંગ થશે તો કાર્યવાહી કરવામાં આવશે. લગ્ન પ્રસંગ પર મર્યાદા મામલે DGP આશિષ ભાટીયાએ કહ્યું કે, દરેક લગ્નનું રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે. લગ્નમાં ગાઈડ લાઈનનું ચુસ્ત રીતે પાલન કરવુ પડશે. તેથી લોકોને અમારી અપીલ છે કે, ૧૫૦ લોકો જ હાજર હોય તે રીતે આયોજન કરો. નિયમોનું પાલન ના કરનાર સામે કાર્યવાહી થશે. રાત્રિ કર્ફ્યૂનો કડકાઇથી અમલીકરણ થશે. રેસ્ટોરન્ટ માટે હોમ ડિલિવરી ૨૪ કલાક ચાલુ રખાશે. બીમારીને રોકવાના આ પગલાને જનતા સહકાર આપે. નેતાઓના મેળાવડા અંગે પણ DGP આશિષ ભાટિયાનું મોટું નિવેદન આપતા કહ્યુ કે, જ્યારે સંક્રમણ ઓછું હોય તો કાર્યવાહી નથી થતી. જ્યારે સંક્રમણ વધારે હોય ત્યારે કાર્યવાહી થાય છે. સંક્રમણ ઓછું હોય ત્યારે પલ્બિક સામે પણ ઓછા પગલાં લેવાય છે.

 

(8:41 pm IST)