ગુજરાત
News of Sunday, 23rd January 2022

રોડનાં ભ્રષ્ટાચાર મામલે ન.પા. પ્રમુખ, વિરોધ પક્ષ વચ્ચે બબાલ

વિરોધ પક્ષના નેતાએ પાલિકા પ્રમુખ પર ભ્રષ્ટાચારના આક્ષેપ કરતા બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી : જાહેરમાં જ ઉગ્ર બોલાચાલી થઈ

વલસાડ,તા.૨૨ : વલસાડ જિલ્લાની પારડી નગરપાલિકાના પ્રમુખ અને નગરપાલિકાના વિરોધપક્ષના નેતા વચ્ચે જાહેરમાં જ ઉગ્ર બોલાચાલી થઈ હતી પારડી નગરપાલિકા વિસ્તારમાં બજારમાં બનાવવામાં આવેલો રોડ જર્જરિત થઇ જતા રોડના કામમાં ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો  હોવાના આક્ષેપ સાથે વિરોધ પક્ષના નેતા અને પાલિકાના પ્રમુખ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઇ હતી. જેના કારણે લોકોની ભીડ એકઠી થઈ હતી. આમ છ મહિનામાં જ ૨૦ લાખ રૃપિયાના ખર્ચે બનેલો રોડ જર્જરિત થઈ જતા આ રોડનું કામ કરનાર કોન્ટ્રાક્ટરનું પેમેન્ટ અટકાવવા માટે વિરોધ પક્ષના નેતા અને લોકોએ નગરપાલિકાના પ્રમુખને રજુઆત કરી હતી. જાહેરમાં જ વિરોધ પક્ષના નેતાએ પાલિકા પ્રમુખ પર ભ્રષ્ટાચારના આક્ષેપ કરતા  બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી અને મામલો ગરમાયો હતો. નગરપાલિકાના પ્રમુખ હસમુખ પટેલ અને વિરોધ પક્ષના નેતા  બીપીન પટેલ વચ્ચે થયેલી ઉગ્ર બોલાચાલીનો વિડીયો સોશિયલ મીડિયામાં વાઇરલ  થતા મુદ્દો જિલ્લામાં ચર્ચાનું કેન્દ્ર બન્યો હતો. બનાવની વિગત મુજબ ભાજપ શાસિત  વલસાડ જિલ્લાની પારડી નગરપાલિકા વિસ્તારમાં માર્કેટથી તળાવની પાળ સુધી ૬ મહિના અગાઉ રૃપિયા ૨૦  લાખના ખર્ચે રોડ બનાવવામાં આવ્યો હતો. પારડીની મુખ્ય બજારથી  તળાવની પાળ સુધી મુખ્ય રસ્તા પર બનાવેલ આ રોડમાં  લાખો રૃપિયાનો  ખર્ચે કરવામાં આવ્યો હોવા છતા ગણતરીનાં સમયમાં જ રોડ  જર્જરિત થઈ ગયો હતો. આથી બજારનાં વેપારીઓ અને સ્થાનિક લોકોમાં  રોડના કામમાં ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપો થઈ રહ્યા હતા. મામલો ગરમાતા રોડનાં કોન્ટ્રાક્ટર દ્વારા બજારમાં જર્જરિત  થયેલા રોડ પર સાંધા  કરવાના પ્રયાસ કરતા મામલો વધુ ગરમાયો હતો. આથી નગરપાલિકાનાં પ્રમુખ હસમુખભાઈ પટેલ બજારમાં પહોંચ્યા હતા. જાણ થતા વિરોધ પક્ષના નેતા બીપીન પટેલ પણ સ્થળ પર પહોંચ્યા હતા અને રોડનાં કામમાં મોટાપાયે ભ્રષ્ટાચાર થયો હોવાના વિરોધ પક્ષના નેતાએ નગરપાલિકાના પ્રમુખ પર આક્ષેપો કર્યા હતા. જાહેરમાં જ નગરપાલિકાના પ્રમુખ પર  ભ્રષ્ટાચારના આક્ષેપ થતા મામલો ગરમાયો હતો. વિરોધ પક્ષના નેતા અને પાલિકાના પ્રમુખ વચ્ચે બજારમાં જ જાહેરમાં ઉગ્ર બોલાચાલી થઈ હતી. આથી  મામલો ગરમાતા બજારમાંથી આસપાસના વેપારીઓ અને  લોકો પણ એકઠા થઇ ગયા હતા. એકઠા થયેલા લોકોએ પાલિકા પ્રમુખને હલકી ગુણવત્તાનું કામ કરનાર રોડ કામના કોન્ટ્રાક્ટરનું પેમેન્ટ અટકાવવા માટે રજૂઆત કરી હતી. જોકે ભરબજારમાં જાહેરમાં નગરપાલિકાના પ્રમુખ અને વિરોધ પક્ષના નેતા વચ્ચે થયેલી ઉગ્ર બોલાચાલી અને બબાલનો વિડીયો અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. જેથી  મુદ્દો ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.

 

(8:39 pm IST)